Harsh Sanghavi Dahod Visit: 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડનગરથી વારાણસી બાઇક રેલી અંતર્ગત દાહોદ જિલ્લાના ભુવાલ તાલુકામાં આવેલા ભાડભા ગામ ખાતે આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી યુવાનો સાથે વિસ્તૃત અને જીવંત સંવાદ સાધ્યો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગામડે-ગામડે જઈને સ્વચ્છતા અને સામાજિક સેવાના કાર્યો માટે ૨૨ દિવસ સુધી હજારો કિલોમીટર બાઇક ચલાવીને નીકળેલા યુવાનોનો ઉત્સાહ પ્રેરણાદાયી છે. તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો કે, આ યાત્રામાં 50 ટકાથી વધુ યુવાનો બિન-રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હોવા છતાં દેશ સેવાના સંકલ્પ સાથે જોડાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી તરીકેના દેશ સેવામાં 25 વર્ષ પૂરા થયા છે, ત્યારે સંઘવીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ આ સમયગાળા દરમિયાન પોતાના અંગત કામ માટે એક પણ રજા લીધા વિના સતત કામ કર્યું છે, જે એક વિશ્વ વિક્રમ સમાન છે. તેમણે આજના યુવાનોને પ્રધાનમંત્રીશ્રીની ઊર્જા અને સમર્પણ ભાવમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું.
AI ટેકનોલોજી દ્વારા યુવાનોએ જાતે જ દેશના વિકાસના આંકડા જાણ્યા
હર્ષ સંઘવીએ ઉપસ્થિત આદિવાસી યુવાનો સાથે નવતર પ્રયોગ કરતાં તેમને પોતાના મોબાઇલમાં AI ટૂલ્સનો ઉપયોગ કરીને વર્ષ 2014 પહેલાં અને વર્તમાન સમયના દેશના વિકાસના આંકડા ચકાસવા જણાવ્યું હતું:
યુવાનોએ AI દ્વારા શોધીને પોતાની બેઠક પરથી વિગતો આપી હતી કે, વર્ષ 2014 પહેલાં દેશમાં મેડિકલ કોલેજો માત્ર 387 હતી, જે વધીને 780 થઈ ગઈ છે.
AIમાં રાજ્યસભાના આંકડા ટાંકીને આવેલી માહિતી જણાવતા યુવાઓએ કહ્યું કે, MBBSની બેઠકો 51,348થી વધીને 1,15,900 થઈ છે તથા PG બેઠકો 31,885થી વધીને 74,306 પર પહોંચી છે.
એન્જિનિયરિંગ અને ઉચ્ચ શિક્ષણની બેઠકો બમણી થવાને કારણે આદિવાસી વિસ્તારોના સામાન્ય પરિવારના દીકરા-દીકરીઓ પણ આજે ડોક્ટર અને એન્જિનિયર બનવાનું સપનું પૂરું કરી રહ્યા છે.

યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ
સંવાદ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને સરકારી યોજનાઓની માહિતી છે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યા તો વિવિધ યુવાનોએ આગળ આવીને સરકારી યોજનાઓથી તેમના જીવનમાં આવેલા બદલાવ વિશે જણાવ્યું હતું:
ખેતીવાડી સહાય: એક યુવાને જણાવ્યું કે, ટ્રેક્ટર સહાય પેટે તેમને કોઈ પણ પ્રકારની અડચણ વિના સીધા 1 લાખ રૂપિયા સહાય ખાતામાં મળી છે.
આયુષ્માન ભારત: એક યુવાએ જણાવ્યું કે તેમના દાદાજીનું હૃદયના ઓપરેશન વિના મૂલ્યે આ કાર્ડથી થઈ ગયું. જ્યારે એક વડીલે ઊભા થઈને કહ્યું કે, તેમના ધર્મપત્નિનું પથરીનું ઓપરેશન મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલમાં કરાવ્યું અને તે માટે આયુષ્માન કાર્ડ થકી 70,000 રૂપિયાની સારવાર વિનામૂલ્યે થઈ ગઈ. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાતમાં હવે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આ યોજના હેઠળ ઉપલબ્ધ છે.
શિક્ષણ સહાય: એક વિદ્યાર્થીએ જણાવ્યું કે B.Sc. નર્સિંગના અભ્યાસ માટે ઈ-નિર્માણ કાર્ડ દ્વારા 50,000 રૂપિયાની સંપૂર્ણ શિક્ષણ સહાય સીધી મળી છે, તેમજ BAMS કરી રહેલી બહેનને ફ્રી-શિપ કાર્ડનો પૂરો લાભ મળી રહ્યો છે.
પી.એમ. આવાસ યોજના: એક સ્થાનિક યુવાને જણાવ્યું કે, દાદાના સમયના કાચા મકાનમાંથી મુક્તિ મેળવી તેમના પરિવારને 3.5 લાખ રૂપિયાની સહાયથી પાકું મકાન મળ્યું છે.
પી.એમ. કિસાન સન્માન નિધિ અને પશુ સેવા: ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય સીધી ખાતામાં જમા થવા તથા 1962 હેલ્પલાઇન થકી અબોલ પશુઓની તાત્કાલિક સારવારની સેવાની પણ યુવાનોએ પ્રશંસા કરી હતી.
દૈનિક 25 મિનિટ સમાજ સેવા માટે આપવા આહ્વાન
સંવાદના અંતે નાયબ મુખ્યમંત્રીએ તમામ યુવાનોને પોતાના સપના સાકાર કરવા મહેનત કરવાની સાથે સાથે આગામી એક મહિના સુધી રોજની 25 મિનિટ સામાજિક સેવા માટે ફાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે ગામની સ્વચ્છતા, સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવા, રક્તદાન, વૃદ્ધોની સેવા અને જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓ સાથે જોડવા માટે યુવાશક્તિને સક્રિય બનવા ભાવપૂર્વક આહ્વાન કર્યું હતું.
