પંચમહાલ પહોંચી 'સેવા સંકલ્પ યાત્રા' બાઈક રેલી, લોકનૃત્ય અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત; હર્ષ સંઘવી પણ રેલીમાં જોડાયા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બાઈક રેલીમાં સેવાયાત્રીઓ સાથે પંચમહાલ જિલ્લામાં પહોંચ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 19 Sep 2026 02:51 PM (IST)Updated: Sat, 19 Sep 2026 02:51 PM (IST)
panchmahal-vadnagar-varanasi-seva-yatra-bike-rally-welcome-harsh-sanghavi
Panchmahal Seva Yatra Bike Rally

Panchmahal Seva Yatra Bike Rally: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર તેમની જન્મભૂમિ વડનગરથી કર્મભૂમિ વારાણસી સુધી આયોજિત 'સેવા સંકલ્પ યાત્રા' અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બાઈક રેલીમાં સેવાયાત્રીઓ સાથે પંચમહાલ પહોંચ્યા છે. હાલોલ સ્થિત ચંદ્રપુરા ચોકડી ખાતે આદિવાસી પરંપરાગત લોકનૃત્ય તેમજ 'વિકસિત ભારત' થીમ આધારિત નૃત્ય સાથે રેલીનું ઉષ્માભર્યું અભિવાદન કરવામાં આવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના 500થી વધુ ઉત્સાહી સેવાયાત્રી યુવાનો અલગ-અલગ 10 રૂટ પર મોટરસાઈકલના ગ્રુપમાં 22 દિવસ સુધી ગામેગામ ફરીને સ્વચ્છતા અભિયાન, ગૌસેવા, વૃદ્ધોની સંભાળ અને સરકારી યોજનાઓના લોકજાગૃતિ જેવા સેવાકીય કાર્ય કરશે. છેલ્લા બે દિવસથી આ યાત્રામાં જોડાયાનો હર્ષ સંઘવીએ આનંદ વ્યક્ત કર્યો હતો.

 

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, PM મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે છેલ્લા 25 વર્ષથી એક પણ દિવસની રજા લીધા વિના દેશના પ્રત્યેક નાગરિકના કલ્યાણ માટે અવિરત કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબોને પાકાં મકાનો, શૌચાલય થકી મહિલાનું સન્માન, કિસાન સન્માન નિધિ થકી ખેડૂતોને આર્થિક ટેકો તેમજ આયુષ્યમાન ભારત યોજના થકી સામાન્ય પરિવારોને 10 લાખ સુધીની વિનામૂલ્યે આરોગ્ય સુરક્ષા પૂરી પાડી છે.

વડાપ્રધાન મોદીના 25 વર્ષના સમર્પિત લોકસેવાના કાર્યકાળને બિરદાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને આહવાન કર્યું હતું કે, આ 'સેવા સંકલ્પ' માસ દરમિયાન સૌ નાગરિકો પોતાના ગામ, સમાજ અને દેશ માટે માત્ર 25 મિનિટનો સમય ફાળવી સ્વચ્છતા, આરોગ્ય કે લોકસેવાના કાર્યમાં યોગદાન આપે છે.

સંકલ્પ સેવા અભિયાન અંતર્ગત યોજાયેલ વડનગરથી વારાણસી સુધીની બાઈક રેલી જ્યારે વડોદરાથી પંચમહાલ જિલ્લામાં પ્રવેશી ત્યારે સેવાયાત્રીઓના સ્વાગત પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી રમેશ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ, હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા સંગઠનના પદાધિકારીઓ, GIDC મસવાડ અને હાલોલના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.