Dahod Garbada fire incident: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં મોડી રાતે સર્જાયેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ સર્જ્યો હતો. ગરબાડાના આઝાદ ચોક વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળા અને ધુમાડાના ગોટા દૂર દૂર સુધી દેખાતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.
બંધ મકાનમાં લાગી આગ, પ્રચંડ ધડાકો થયો
પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગેલ મકાન બંધ હાલતમાં હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ મકાનમાં રહેલી ઘરવખરી અને સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આગના કારણે આસપાસના વિસ્તારમાં પણ દહેશતનો માહોલ છવાઈ ગયો હતો, અને લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ ગરબાડા પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર લાશ્કરોએ આગ પર સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે લાંબો સમય લાગ્યો હતો, કારણ કે આગ ખૂબ જ વિકરાળ બની ચૂકી હતી.
બાજુમાં આવેલી હોસ્પિટલ ખાલી કરાવવી પડી
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મકાનની બાજુમાં આવેલી છત્રછાયા હોસ્પિટલને તાત્કાલિક ખાલી કરવાની ફરજ પડી હતી. આગ અને ઘાટા ધુમાડાના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તથા સ્ટાફની સુરક્ષા ખતરામાં આવી જતા તંત્ર હરકતમાં આવ્યું હતું. હોસ્પિટલના તમામ દર્દી, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓને ઝડપથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલ અને આસપાસમાં અફરાતફરી મચી
અચાનક હોસ્પિટલ ખાલી કરવાની સ્થિતિ સર્જાતા દર્દીના સગા-સંબંધી અને સ્થાનિકોમાં ભારે અફરા તફરી જોવા મળી હતી. હાલ આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ ઘટનામાં ભારે આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
