Dahod News: દાહોદ શહેરમાં મિત્રતાના નામે વિશ્વાસઘાત અને અમાનવીય અત્યાચારની એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદથી સુથારી કામ અર્થે દાહોદ આવેલા યુવકને તેના જ ત્રણ મિત્રોએ વિશ્વાસમાં લઈ અપહરણ કરી ગોંધી રાખ્યો હતો અને તેના પરિવાર પાસેથી 50 હજાર રૂપિયાની ખંડણી માગી હતી. જોકે, પોલીસની ત્વરિત કાર્યવાહીથી યુવકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે અને ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો રહેવાસી શ્યામલાલ રાવ રોજગારની શોધમાં દાહોદ આવ્યો હતો અને અહીં સુથારી તરીકે કામ કરતો હતો. આ દરમિયાન તેની ઓળખાણ શહેરના ત્રણ યુવકો સાથે થઈ હતી. સમય જતાં મિત્રતા ગાઢ બનતા તેઓ સાથે ફરવા જતાં અને પૈસાની લેતી-દેતી પણ થતી હતી. કામ પૂરું થતાં શ્યામલાલ અમદાવાદ જવાની તૈયારીમાં હતો, ત્યારે આરોપીઓએ વધુ કામ અપાવવાની લાલચ આપી તેને દાહોદમાં રોક્યો હતો.
ગત 1 તારીખે આરોપીઓએ બસ સ્ટેશનથી શ્યામલાલને પરત બોલાવી છાપરી ગામ નજીક આવેલા એક મકાનમાં લઈ ગયા હતા. ત્યાં પહોંચતા જ તેમણે તેને બંધક બનાવી લીધો હતો. આરોપીઓએ શ્યામલાલને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો તેમજ શરીરના વિવિધ ભાગે સિગરેટના ડામ આપી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ તેના મોબાઈલ પરથી પરિવારને વીડિયો કોલ કરી લાઈવ મારપીટ બતાવી 50 હજાર રૂપિયાની ખંડણી માગી હતી. પૈસા નહીં મળે તો હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ કપરી પરિસ્થિતિમાં શ્યામલાલે હિંમત દાખવી ખાનગી રીતે પોતાનું લાઈવ લોકેશન પરિવારને મોકલી આપ્યું હતું. પરિવારએ તાત્કાલિક દાહોદ B-ડિવિઝન પોલીસનો સંપર્ક કરતા પોલીસ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે પોલીસે છાપરી ગામના મકાનમાં દરોડો પાડી યુવકને હેમખેમ બચાવી લીધો હતો.
દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, પોલીસની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી છે. ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અપહરણ, ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યાં તેની હાલત સ્થિર છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે અને અજાણ્યા લોકો પર અંધવિશ્વાસ ન રાખવાની ચેતવણી આપી છે.
