Dahod: 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

કલ્યાણપુરના જંગલ–ડુંગર વિસ્તારમાં લઈ જઈ 13 વર્ષીય કિશોરી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 03 Jan 2026 03:38 PM (IST)Updated: Sat 03 Jan 2026 03:38 PM (IST)
sanjeli-police-arrest-accused-of-raping-13-year-old-boy-in-dahoda-667342
HIGHLIGHTS
  • દાહોદમાં 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ
  • પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
  • પીડિત કિશોરી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ

Rape incident with a teenager: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં એક 13 વર્ષીય કિશોરી સાથે થયેલ દુષ્કર્મની ગંભીર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ ફેલાવ્યો છે. સંજેલી તાલુકાના કલ્યાણપુર ગામ નજીકના જંગલ અને ડુંગર વિસ્તારમાં આ અમાનવીય ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.

13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચર્યું

પ્રાપ્ત વિગતો મુજબ, સંજેલીના પિછોડા નાળ ફળિયામાં રહેતો 24 વર્ષીય સુભાષભાઈ રમેશભાઈ સંગાડા કિશોરીને “મામાના ઘરે છોડી દઈશ” તેવી લાલચ આપી ઘરેથી લઈ ગયો હતો. બાદમાં કલ્યાણપુર ગામની હદમાં આવેલા જંગલ અને ડુંગર વિસ્તારમાં લઈ જઈ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ઘટનાના સમયે કિશોરી માત્ર 13 વર્ષની નાબાલિક હોવાનું જાણવા મળ્યું છે. દુષ્કર્મ દરમિયાન કિશોરીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

પીડિતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ

આ મામલે સંજેલી પોલીસ મથકના PI જી. બી. પરમારે જણાવ્યું હતું કે, બાળકીના પિતાની ફરિયાદના આધારે સંજેલી પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાતાની સાથે જ જિલ્લા પોલીસ વડા તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમની રચના કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

પોલીસે ગુપ્ત માહિતીના આધારે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ આરોપી સુભાષભાઇ રમેશભાઈ સંગાડાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા સુભાષભાઇ સંગાડાની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે તેમજ ઘટનાની સમગ્ર કડીને લઈને વધુ તપાસ ચાલી રહી છે.