Dahod: ઝાલોદમાં કરુણાંતિકાઃ તળાવમાં કપડા ધોવા ગયેલી બે સગી બહેનોના ડૂબી જવાથી મોત, પરિવારજનોમાં કલ્પાંત

દાહોદના ઝાલોદમાં કપડાં ધોવા ગયેલી બે સગી બહેનો નંદિની અને રાધિકાનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત થયું. એક બહેનનો પગ લપસતા તે તળાવમાં ખાબકી, જેને બચાવવા જતા બીજી પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 09:57 PM (IST)Updated: Tue, 29 Sep 2026 09:57 PM (IST)
dahod-news-two-minor-sisters-drown-in-jhalod-pond-fire-brigade-recovers-bodies

Dahod News: ઝાલોદમાં કપડાં ધોવા ગયેલી બે સગી બહેનોનું તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત. એક બહેનનો પગ લપસતા તે તળાવમાં ખાબકી, જેને બચાવવા જતા બીજી બહેન પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ. ફાયર બ્રિગેડે બન્ને બહેનોના મૃતદેહો બહાર કાઢ્યા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં તળાવના કાંઠે કપડાં ધોવા ગયેલી એક જ પરિવારની બે સગી બહેનોના પાણીમાં ડૂબી જવાથી અકાળે મોત નીપજ્યાં છે. આ દુઃખદ દુર્ઘટનાને પગલે સમગ્ર ઝાલોદ પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.

ઝાલોદમાં રહેતી નંદિની (12) અને રાધિકા (13) નામની બે સગી બહેનો સવારના સમયે ઘરકામ અર્થે નજીકના તળાવ કિનારે કપડાં ધોવા માટે ગઈ હતી. દરરોજની જેમ કપડાં ધોતી વખતે અચાનક એક બહેનનો પગ લપસી જતાં તે તળાવના ઊંડા પાણીમાં ખાબકી હતી. તેને બચાવવા જતાં બીજી બહેને પણ સંતુલન ગુમાવ્યો હતુ અને જોતજોતામાં બંને બાળકીઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

બંને બહેનોને પાણીમાં ગરકાવ થતી જોઈ આસપાસના સ્થાનિક લોકોએ તુરંત બૂમાબૂમ કરી મૂકી હતી અને ઘટના અંગે ઝાલોદ પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આ બનાવની ગંભીરતા જોઈ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો સમય સૂચકતા દાખવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ફાયર વિભાગના જવાનોએ તળાવના ઊંડા પાણીમાં ઉતરીને કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ બંને બહેનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ સમયે ઘટનાસ્થળે એકત્ર થયેલા ગ્રામજનો અને પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બંને દીકરીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. એક જ ઘરમાંથી બે-બે માસૂમ અને આશાસ્પદ દીકરીઓની નશ્વર દેહ નીકળતાં સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે. આ મામલે ઝાલોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.