દાહોદ જિલ્લામાં નવા વર્ષે અનોખી પરંપરા, આદિવાસી બાહુલ્ય વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયું 'ગાય ગોહરી' પર્વ

દાહોદ જિલ્લાના આદિવાસી બાહુલ્ય વિસ્તારોમાં નવા વર્ષ નિમિત્તે પરંપરાગત 'ગાય ગોહરી' પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 14 Nov 2026 12:18 PM (IST)Updated: Sat, 14 Nov 2026 12:18 PM (IST)
dahod-tribal-unique-tradition-gay-gohari-festival-celebration-gujarati-new-year

Gay Gohari Festival Dahod: આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં દિવાળી બાદ નવા વર્ષની ઉજવણી હંમેશાં અનોખી ધાર્મિક અને લોકપરંપરા સાથે થતી આવી છે. આ વર્ષે પણ નવા વર્ષના દિવસે ગરબાડા, ગાંગરડી, અભલોડ, દાહોદ, ઝાલોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં પરંપરાગત 'ગાય ગોહરી' પર્વ ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવાયું હતું. હજારો વર્ષોથી ચાલી આવતી આ વિશિષ્ટ પરંપરાને નિહાળવા માટે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ મોટા-મોટા શહેરોમાંથી પણ અનેક લોકો દાહોદ જિલ્લામાં ઉમટી પડ્યા હતા.

ગાયને શણગારવામાં કેટલો ખર્ચ?

આ પર્વની તૈયારીઓ એક દિવસ અગાઉથી જ શરૂ થઈ જાય છે. પશુપાલકો અને ખેડૂતો પોતાની ગાયોને સ્નાન કરાવીને વિવિધ રંગો, મહેંદી, મોરપીંછ, ફુગ્ગા અને ઘૂઘરાથી સુંદર રીતે શણગારે છે. આ શણગાર પાછળ એક ગાય દીઠ અંદાજે રૂા. 1,500 થી 2,000 સુધીનો ખર્ચ કરવામાં આવે છે, જે ગાય પ્રત્યેના અપાર પ્રેમ અને આદરભાવને દર્શાવે છે. નવા વર્ષના દિવસે ગામના ચામુંડા માતાજીના મંદિરે વિશેષ પૂજા, અન્નકૂટ અને આરતીનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ ઢોલ-નગારાના ગુંજતા નાદ સાથે ગાય ગોહરીના મુખ્ય મહોત્સવની શરૂઆત થાય છે.

ગાયોના ટોળા નીચે સૂઈ જાય છે લોકો

શણગારેલી ગાયોને ગામના મુખ્ય ચોક કે નિર્ધારિત સ્થાને લાવવામાં આવે છે, જ્યાં પૂજન વિધિ સંપન્ન થયા બાદ ગાયોના ટોળાને દોડાવવામાં આવે છે. આ પ્રસંગે વર્ષ દરમિયાન અજાણતાં પશુઓને માર પડી ગયો હોય કે તેમની પાસે વધુ કામ કરાવ્યું હોય તેના પ્રાયશ્ચિત્ત સ્વરૂપે અનોખી માન્યતા નિભાવવામાં આવે છે. બાધા રાખેલા આદિવાસી ખેડૂતો અને શ્રદ્ધાળુઓ ગાયોના દોડતાં ટોળાંની નીચે દંડવત પ્રણામ કરીને સૂઈ જાય છે અને ગાયો તેમના પરથી પસાર થઈને નીકળી જાય છે.

આદિવાસી સંસ્કૃતિમાં અનોખી પરંપરા જીવંત

લોકવાયકા અને શ્રદ્ધા મુજબ, આ પ્રકારે ગાય માતાની પૂજા કરી તેમની માફી માંગવાથી સમગ્ર વર્ષ દરમિયાન ખેતીમાં સારું પરિણામ મળે છે અને સારો વરસાદ આવે છે. ખાસ વાત એ છે કે, આટલી મોટી સંખ્યામાં ગાયો નીચે સૂઈને બાધા પૂરી કરનાર શ્રદ્ધાળુઓને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સામાન્ય ઈજા પણ થતી નથી, જે આદિવાસી સમાજની ગાઢ આસ્થા અને પરંપરાનું પ્રતીક બની રહી છે. આદિવાસી સંસ્કૃતિનો આ અજોડ વારસો આજે પણ દાહોદ જિલ્લામાં તેટલા જ જોશ અને શ્રદ્ધા સાથે જીવંત છે.