Narmada Dam Water Level: સરદાર સરોવર ડેમ પૂર્ણ થવાના આરે, કાલે CM ભૂપેન્દ્ર પટેલ શાસ્ત્રોક્ત વિધિથી નર્મદા નીરના વધામણા કરશે

સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 9 સેમી દૂર છે અને 99.50% ભરાઈ ગયો છે, જે ગુજરાત માટે રાહતરૂપ છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડેમની મુલાકાત લઈ શાસ્ત્રોક્ત વિધિથી નર્મદા નીરના વધામણાં કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 29 Sep 2026 09:42 PM (IST)Updated: Tue, 29 Sep 2026 09:42 PM (IST)
sardar-sarovar-dam-near-full-level-cm-bhupendra-patel-to-welcome-narmada-waters-tomorrow

Sardar Sarovar Narmada Dam Water Level: 'અલ નીનો'ની અસરના કારણે વરસાદની ઘટ ધરાવતા ગુજરાત માટે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ ક્ષમતાથી ભરાવાની એકદમ નજીક પહોંચી ગયો છે.

અત્યારે ડેમની જળસપાટી 138.59 મીટર નોંધાઈ છે, જે તેની 138.68 મીટરની મહત્તમ સપાટીથી માત્ર 9 સેન્ટિમીટર (0.09 મીટર) જ દૂર છે. વર્તમાન સ્થિતિ મુજબ જળાશયમાં 99.50 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ચૂક્યો છે.

ઉપરવાસમાંથી પાણીની આવકમાં નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં 14,478 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

તંત્ર દ્વારા જળસપાટીનું યોગ્ય સંચાલન જાળવી રાખવા માટે નદી અને મુખ્ય કેનાલમાં મળીને કુલ 45,623 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડાઉનસ્ટ્રીમ વિસ્તારોમાં કોઈ અસરો ન થાય તે માટે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

હાલની પરિસ્થિતિને જોતાં આવતીકાલે ડેમ તેની પૂર્ણ મહત્તમ સપાટીએ પહોંચી જવાની પૂરી શક્યતા છે. આ ઐતિહાસિક ક્ષણે આવતીકાલે સાંજે 4 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમ ખાતે પહોંચીને નર્મદા નીરના શ્રીફળ વધેરીને શાસ્ત્રોક્ત વિધિથી વધામણાં કરશે. આ પ્રસંગને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

જળાશયમાં હાલ 5,734.24 એમસીએમ (MCM) જેટલો વિશાળ લાઇવ સ્ટોરેજ જળજથ્થો ઉપલબ્ધ છે, જે સમગ્ર રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, 458 કિલોમીટર લાંબી નર્મદાની મુખ્ય કેનાલ રાજ્યના 9 જિલ્લાઓ અને 27 તાલુકાઓમાંથી પસાર થઈને કરોડો નાગરિકો સુધી પાણી પહોંચાડે છે.

પાણીના સંગ્રહની સાથોસાથ હાઇડ્રોપાવર ક્ષેત્રે પણ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હાલ રિવર બેડ પાવર હાઉસના 6 અને કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન કાર્યાન્વિત કરીને સતત વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જળસંગ્રહની દ્રષ્ટિએ સરદાર સરોવર ડેમ પૂર્ણ ભરાવાના આરે પહોંચતાં સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયો છે.