Dahod: રળિયાતી ગામે ક્રૂરતાની હદ વટાવી; બાંધકામ સાઇટ પર પથ્થરના ઘા ઝીંકી ચોકીદારની નિર્મમ હત્યા

દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામમાં ગત મોડી રાત્રે એક બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય આધેડની હત્યા કરી નખાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 06 May 2026 01:22 PM (IST)Updated: Wed, 06 May 2026 01:22 PM (IST)
dahod-news-raliyati-construction-site-watchman-murder-investigation

Dahod News: દાહોદ શહેર નજીક આવેલા રળિયાતી ગામમાં ગત મોડી રાત્રે એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. ગામની સીમમાં ચાલી રહેલી એક બાંધકામ સાઇટ પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય આધેડની અજાણ્યા શખ્સોએ પથ્થરોનાં ઘા મારીને કરપીણ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

naidunia_image

ચોકીદાર પર હુમલો કરી હત્યા

મળતી માહિતી મુજબ, રળિયાતી ગામે એક રહેણાંક પ્રોજેક્ટની બાંધકામ સાઇટ પર છેલ્લા એક મહિનાથી એક 50 વર્ષીય આધેડ ચોકીદાર તરીકે નોકરી કરી સાઇટની રખેવાળી કરતા હતા. ગત રાત્રે તેઓ પોતાની ફરજ પર હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આધેડના માથા તેમજ શરીરના અન્ય ભાગો પર પથ્થરના જીવલેણ ઘા ઝીંકી તેમને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધા હતા.

સવારના સમયે જ્યારે અન્ય શ્રમિકો સાઇટ પર પહોંચ્યા. ત્યારે ચોકીદારની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ વાયુવેગે ગામમાં ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

naidunia_image

પોલીસ કાર્યવાહી

બનાવની જાણ થતા જ દાહોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી, પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે દાહોદની ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

naidunia_image

DySP જગદીશ ભંડારીએ શું કહ્યું?

આ ગંભીર ગુના અંગે માહિતી આપતા દાહોદ DySP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, રળિયાતી ગામે બાંધકામ સાઇટ પર ચોકીદારની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો છે. પ્રાથમિક તપાસમાં માથાના ભાગે પથ્થર જેવા બોથડ પદાર્થો મારીને હત્યા કરવામાં આવી હોવાનું જણાય છે. પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આ ગુનાનો ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી પાડવામાં આવશે.

પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

હત્યા પાછળ લૂંટનો ઇરાદો હતો કે, કોઈ અંગત અદાવત, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. મૃતક છેલ્લા એક મહિનાથી જ અહીં કામ કરતા હોવાથી તેમની પૃષ્ઠભૂમિની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.