વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડા! ફૂડ વિભાગના દરોડામાં હનુરામ ફૂડ્સની દાલ કચોરી ફેઈલ ગઈ, 8 નમૂના સ્વાસ્થ્ય માટે 'જોખમી'

વડોદરામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે મનપાની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 06 May 2026 12:58 PM (IST)Updated: Wed, 06 May 2026 12:58 PM (IST)
vadodara-food-department-raid-hanuram-foods-dal-kachori-unsafe-8-samples

Vadodara News: વડોદરામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના હેઠળ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન લેવાયેલા 8 નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણમાં નિષ્ફળ જતાં ખાદ્ય વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દાલ કચોરી અને હળદર ચણા આરોગ્ય માટે જોખમી

ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલી તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો મકરપુરાની હનુરામ ફૂડ્સની દાલ કચોરી ચાટ અને છાણી રોડ પર આવેલા હનુમાન પૌષ્ટિક આહારના હળદર ચણા બાબતે થયો છે. પબ્લિક હેલ્થ લેબોરેટરીના અહેવાલ મુજબ, આ બંને નમૂનાઓ “અનસેફ” (આરોગ્ય માટે જોખમી) જાહેર કરવામાં આવ્યા છે.

6 એકમોના નમૂના ‘સબ-સ્ટાન્ડર્ડ’ જાહેર

તપાસ દરમિયાન લેવાયેલા અન્ય 6 નમૂનાઓ ગુણવત્તાના નિર્ધારિત ધોરણોમાં નિષ્ફળ રહેતા તેને ‘સબ-સ્ટાન્ડર્ડ’ જાહેર કરાયા છે, જેમાં નીચે મુજબના એકમોનો સમાવેશ થાય છે.

  • કારેલીબાગ: ગોકુલ ડેરીનો કેસર રસ
  • ફતેગંજ: જનતા આઈસ્ક્રીમનું વેનીલા આઈસ્ક્રીમ
  • માંજલપુર: ડેડીસ ઝોન પીઝાનું ડ્રાય મંચુરીયન
  • ભાયલી: સત્યનારાયણ રેસ્ટોરન્ટનું સેવ ટોમેટો અને અન્ય એકમનું શ્રીખંડ
  • લક્ષ્મીપુરા રોડ: પ્રોવિઝન સ્ટોરનો લોટ

કાયદેસરની કાર્યવાહી અને તંત્રની ચેતવણી

ડેઝિગ્નેટેડ ઓફિસરના જણાવ્યા અનુસાર, જે વેપારીઓના નમૂના ફેઈલ થયા છે, તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, ગુણવત્તામાં ગંભીર બેદરકારી જણાશે. તો દંડની સાથે લાઈસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કામગીરી કરવામાં આવશે.

આગામી દિવસોમાં પાલિકાની ટીમ દ્વારા સ્ટ્રીટ ફૂડ, ડેરી પ્રોડક્ટ્સ અને પેકેજ્ડ ફૂડ પર સઘન દેખરેખ રાખવામાં આવશે. તંત્રએ નાગરિકોને પણ અપીલ કરી છે કે, જો કોઈ જગ્યાએ શંકાસ્પદ કે અખાદ્ય ખોરાકનું વેચાણ થતું જણાય તો તુરંત પાલિકાનો સંપર્ક કરવો.