Vadodara Food Checking: વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખાદ્ય એકમો સામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન જાણીતા રિટેલ સ્ટોર્સમાંથી લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના નમૂના ફેલ થયા છે.
125 એકમોમાં તપાસ: ચાર મુખ્ય નમૂના 'ફેલ'
ફૂડ વિભાગની ટીમે શહેરના સરદાર એસ્ટેટ, વારસિયા, હાથીખાના, છાણી, જૂના પાદરા રોડ, વાડી, વાઘોડિયા રોડ અને મકરપુરા સહિતના વિસ્તારોમાં આવેલા કુલ 125 હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ એકમોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ચેકિંગ દરમિયાન કુલ 45 નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 4 નમૂનાઓ નિર્ધારિત ધોરણો મુજબ ન જણાતા તેને તંત્ર દ્વારા 'ફેલ' જાહેર કરવામાં આવ્યા છે.
નાપાસ થયેલા નમૂનાની વિગતો
- રિલાયન્સ રિટેલ લિ. (માંજલપુર રોડ): ચણાદાળનો નમૂનો લેબોરેટરી ટેસ્ટમાં નાપાસ
- ગોકુળ ટ્રેડર્સ (છાણી રોડ): ડેરી પ્રોડક્ટ પનીરનો નમૂનો અહીં નાપાસ જાહેર થયો
- વ્રજ ફૂડ્સ (ડભોઇ-વાઘોડિયા રોડ): અહીંનું બેસન ગુણવત્તામાં ઉતરતું જણાયું
- શ્રી માધવ ટ્રેડર્સ (હાથીખાના): અહીંથી લેવાયેલ હળદર પાવડરનો નમૂનો ફેલ થયો
ગંદકી-પ્લાસ્ટિક મુદ્દે રૂ. 58,500 દંડ
વડોદરા મનપાના ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન માત્ર નમૂના જ નહીં, પરંતુ એકમોમાં પ્રવર્તતી અસ્વચ્છતા સામે પણ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. અનેક એકમોમાં ભારે ગંદકી અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ જોવા મળતા ફૂડ શાખાએ કુલ રૂ. 58,500 વહીવટી દંડ વસૂલ કર્યો છે. આ ઉપરાંત, આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા 7 એકમોને તાકીદે સુધારણા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
હજુ પણ કડક કાર્યવાહી રહેશે ચાલુ
વડોદરા ફૂડ સેફ્ટી ઓફિસરના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કોઈપણ નાના કે મોટા વેપારીને બક્ષવામાં આવશે નહીં. જે એકમોના નમૂના ફેલ થયા છે તેમની સામે કાયદેસરની કોર્ટ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે. નમૂના ફેલ થતાં તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી અને નોટિસ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
