Harsh Sanghavi Chhota Udepur Visit: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી એટલે કે 27 થી 29 નવેમ્બર દરમિયાન વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ત્રણ દિવસીય સઘન પ્રવાસે આવી રહ્યા છે. આ 72 કલાકના પ્રવાસ દરમિયાન તેઓ આદિવાસી વિસ્તારોમાં સીધો લોકસંપર્ક, વિકાસલક્ષી અને પ્રવાસન પ્રોજેક્ટ્સની સમીક્ષા, જન સુનાવણી તેમજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવોમાં ઉપસ્થિત રહેશે.
પ્રથમ દિવસના કાર્યક્રમોની વિગત
પ્રવાસના પ્રથમ દિવસે, શુક્રવારે સવારે 10:00 વાગ્યે નાયબ મુખ્યમંત્રી વડોદરાના નવલખી મેદાન ખાતે આયોજિત ‘ઋષભાયન 3.0’ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે વાઘોડિયા રોડ સ્થિત રેવા પાર્ક ગાર્ડન ખાતે ‘વિશ્વ કલ્યાણ મહોત્સવ’માં સહભાગી થશે. બપોર બાદ તેઓ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે પહોંચશે.
જ્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. સાંજે સંગઠનના હોદ્દેદારો, બુથ પ્રમુખો અને સિનિયર કાર્યકરો સાથે બેઠક યોજી સંગઠનાત્મક બાબતોની ચર્ચા કરશે. રાત્રે હમીરપુરા ગામે ગ્રામજનો સાથે ‘ખાટલા બેઠક’ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાઈને સ્થાનિક સંસ્કૃતિને માણશે.
જન સુનાવણીમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ
પ્રવાસના બીજા દિવસે, શનિવારે સવારે તેઓ સુપ્રસિદ્ધ હાફેશ્વર મહાદેવના દર્શન કરી ઈકો ટુરિઝમ સાઈટ અને જેટી પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈ પ્રવાસન વિકાસની સમીક્ષા કરશે, તેમજ સ્થાનિક યુવાનો સાથે સંવાદ સાધશે. ત્યારબાદ કડીપાણી જીએમડીસી (GMDC) ખાતે વહીવટી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
બપોરે કવાંટ સર્કિટ હાઉસ મેદાનમાં આયોજિત ‘જન સુનાવણી કેમ્પ’માં ઉપસ્થિત રહી નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના ત્વરિત નિરાકરણ માટે સૂચનાઓ આપશે. સાંજે વેપારી મંડળ સાથે બેઠક યોજ્યા બાદ આદિવાસી યુવાનો સાથે વોલીબોલ રમીને તેમનો ઉત્સાહ વધારશે અને રાત્રે મોટાવાંટા ખાતે ગ્રામજનો સાથે ભજન-સંવાદના કાર્યક્રમમાં હાજરી આપશે.
નાયબ મુખ્યમંત્રી લેશે ખેડૂતોની મુલાકાત
અંતિમ દિવસે, રવિવારે સવારે ભેખડીયા સ્થિત હનુમાન મંદિરના દર્શન કરી આદિવાસી વસાહતો અને પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત લેશે. ત્યારબાદ પાનવડ ચાર રસ્તા પર ચાની કીટલીએ સામાન્ય નાગરિકો સાથે સહજ લોકસંપર્ક કરશે.
આગળના કાર્યક્રમમાં જેતપુરપાવીના પાણીબાર (રામ ટેકરી) ખાતે ‘મન કી બાત’ સાંભળ્યા બાદ મહિલાઓ સાથે વિશેષ બેઠક યોજશે. બપોરે કલારાણી એકલવ્ય કોલેજમાં યુવાસભાને સંબોધી પત્રકારો સાથે ભોજન લેશે. પ્રવાસના અંતિમ ચરણમાં મૂલધર કબીર મંદિરના દર્શન કરી સંતો-મહંતોના આશીર્વાદ મેળવી પ્રવાસનું સમાપન કરશે.
