Ahmedabad Science City IRIS National Fair: અમદાવાદ શહેરમાં EXSTEMPLAR એજ્યુકેશન લિંકર્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ દ્વારા સંચાલિત IRIS નેશનલ ફેર 2026-27નું આયોજન 22 થી 24 નવેમ્બર 2026 દરમિયાન વિજ્ઞાન ભવન, ગુજરાત સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું હતું. આ ફેરનો સમાપન સમારોહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં ભારતની ઉભરતી વૈજ્ઞાનિક પ્રતિભાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને તેમને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રીએ દેશના યુવા સંશોધકોને આવકાર્યા
સમાપન સમારોહમાં ઉપસ્થિત દેશભરના યુવા સંશોધકોને આવકારતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં બાળકો અને યુવાનોના 'સ્ક્રીન ટાઈમ'ને રચનાત્મક અને ઉપયોગી દિશામાં વાળવો એ સૌથી મોટો પડકાર છે, ત્યારે IRIS નેશનલ ફેર જેવા પ્લેટફોર્મ દ્વારા વિદ્યાર્થીઓએ જે આત્મવિશ્વાસ અને ઊંડાણપૂર્વકના સંશોધન સાથે પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા છે, તે ખરેખર પ્રશંસનીય છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ભેદભાવ વગર તમામ વિદ્યાર્થીઓને મળી રહેલી તક અંગે આનંદ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, આ ફેરમાં માત્ર મોટા શહેરો કે આંતરરાષ્ટ્રીય શાળાઓના જ નહીં, પરંતુ નાના ગામડાંઓમાંથી આવેલા અને મર્યાદિત સુવિધાઓ વચ્ચે પણ અદભુત સંશોધન કરનારા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
યુવાનોને પ્રોત્સાહિત કરવા આપ્યો પ્રેરણાદાયી સંદેશ
આ વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરેથી રાષ્ટ્રીય અને હવે વૈશ્વિક મંચ સુધી પહોંચાડવા બદલ તેમણે ઝાયડસ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને તમામ આયોજકોનો રાજ્ય સરકાર વતી આભાર માન્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ યુવા સંશોધકોના નવીન વિચારો આગામી સમયમાં રાજ્ય સરકારને વિવિધ પડકારોના ઉકેલ લાવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
યુવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા સંઘવીએ પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું હતું કે, "માત્ર સપના જોવાથી કામ નહીં ચાલે, પરંતુ તે સપનાઓને સાકાર કરવા માટે સતત પરિશ્રમ કરવો પડશે. આ સ્પર્ધામાં કોઈની હાર કે જીત નથી; જેઓ વૈશ્વિક સ્તરે પસંદગી પામ્યા છે તેમને અભિનંદન, પરંતુ જેઓ પસંદ નથી થયા તેમને બમણા અભિનંદન. કારણ કે, તેમની પાસે હજુ વધુ સંશોધન કરવાનો અને આગળ વધવાનો વિશાળ અવકાશ રહેલો છે."
પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના દ્વાર ખૂલ્યા- મંત્રી અર્જુન મોઢવાડિયા
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં બાળકો દ્વારા આસપાસની સમસ્યાઓ ઓળખીને તેનો ઉકેલ લાવવાની પહેલ કરવી એ 'નિષ્ક્રિય શિક્ષણ'માંથી 'સક્રિય સમસ્યા નિવારણ' તરફનું મહત્વપૂર્ણ કદમ છે. પોતાના વિદ્યાર્થીકાળના અનુભવો વાગોળતા તેમણે કહ્યું કે અગાઉના સમયમાં માત્ર પ્રમાણપત્રો મેળવવા કે નોકરી પૂરતું મર્યાદિત અભિગમ રહેતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં દેશમાં સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે નવા દ્વાર ખુલ્યા છે.
કોવિડ-19 મહામારી દરમિયાન સ્વદેશી રસીના નિર્માણ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત તથા ગુજરાતે મેળવેલી પ્રગતિનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, દેશના 12 સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સમાંથી 6 ગુજરાતમાં સ્થાપિત થઈ રહ્યા છે અને દેશના યુવાનો હવે સ્પેસ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને એઆઈ (AI) જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક નેતૃત્વ કરવા સક્ષમ બન્યા છે.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો
યુવા સંશોધકોને અભિનંદન આપતા મોઢવાડિયાએ જણાવ્યું કે, વિજ્ઞાનમાં દરેક પ્રયોગ સાથે સફળતાના દરમાં વધારો થાય છે. જે વિદ્યાર્થીઓને આજે પુરસ્કાર નથી મળ્યા તેઓ આગામી વર્ષોમાં વધુ મહેનત કરીને પોતાની ક્ષમતા સાબિત કરશે. તેમણે ધોરણ-5 ની વિદ્યાર્થિનીએ બાળકોના 'સ્ક્રીન ટાઈમ'ને ઉપયોગી શિક્ષણમાં પરિવર્તિત કરવા અંગે રજૂ કરેલા પ્રોજેક્ટની સરાહના કરી હતી. બાળકોને મોબાઈલથી દૂર રાખી સંશોધન માટે પ્રેરિત કરનાર વાલીઓ તથા મેન્ટર્સનો આભાર માન્યો હતો. અંતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 'વિકસિત ભારત @ 2047'ના લક્ષ્યને સાકાર કરવામાં અને વૈશ્વિક નવીનતામાં આજની આ યુવા પેઢી મહત્વપૂર્ણ નેતૃત્વ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇનિશિયેટિવ ફોર રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન STEM (IRIS) એ સમગ્ર ભારતમાંથી યુવા વૈજ્ઞાનિક પ્રતિભાઓને ઓળખવા, તેમનું ઘડતર કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક રાષ્ટ્રીય સ્તરનું પ્લેટફોર્મ છે. તે શાળાના વિદ્યાર્થીઓને મૌલિક વૈજ્ઞાનિક સંશોધન કરવા, વાસ્તવિક દુનિયાના પડકારોના નવીન ઉકેલો વિકસાવવા અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, સંશોધકો તથા ઉદ્યોગ નિષ્ણાતો સમક્ષ પોતાનું કાર્ય રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
120 યુવા સંશોધકોના પ્રોજેક્ટ્સની પસંદગી કરાઈ
આ વર્ષની આવૃત્તિમાં 22 STEM વિષય શ્રેણીઓમાં અંદાજે 1200 સંશોધન પ્રોજેક્ટ્સની અરજીઓ પ્રાપ્ત થઈ હતી. બહુ-સ્તરીય મૂલ્યાંકન અને પસંદગી પ્રક્રિયા બાદ, સમગ્ર ભારતના 22 રાજ્યોમાંથી 144 યુવા સંશોધકો દ્વારા રજૂ કરાયેલા 120 ઉત્કૃષ્ટ સંશોધન પ્રોજેક્ટ્સની અમદાવાદ ખાતેના નેશનલ ફેરમાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ્સમાં જીવવિજ્ઞાન (લાઇફ સાયન્સિસ), એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), પર્યાવરણ વિજ્ઞાન, ગણિત, રોબોટિક્સ અને નવી રજૂ કરાયેલી શ્રેણી 'ટેકનોલોજી એન્હાન્સિસ ધ આર્ટ્સ' (Technology Enhances the Arts) સહિત વિવિધ વૈજ્ઞાનિક શાખાઓનો સમાવેશ થાય છે.
