Chhota Udepur Farmers Protest: છોટાઉદેપુર તાલુકાના ડોલરીયા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી ખેતી વિષયક વીજળી યોગ્ય રીતે ન મળતા ખેડૂતોની હાલાકીનો પાર રહ્યો નથી. અવારનવાર રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતાં, આખરે આજે રોષે ભરાયેલા 100થી વધુ ખેડૂતો મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડની (MGVCL) કચેરી ખાતે પહોંચ્યા હતા અને નારેબાજી સાથે ધરણા પ્રદર્શન યોજ્યું હતું.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, હાલ ચોમાસા બાદના સંવેદનશીલ તબક્કામાં ખેતરોમાં ઉભેલા પાકને સિંચાઈ માટે વીજળીની ભારે જરૂરિયાત હોય છે. જો કે છેલ્લા સાત દિવસથી અપૂરતા અને અનિયમિત વીજ પુરવઠાને કારણે ખેતરોમાં પાણી પાઈ શકાતું નથી.
વીજળીના આ ધાંધિયાને કારણે વિસ્તારમાં વ્યાપકપણે વવેવાયેલા કપાસ, ડાંગર અને તુવેર જેવા મુખ્ય રોકડિયા પાકો સુકાઈ રહ્યા છે. જો સમયસર પાણી નહીં મળે તો કરોડો રૂપિયાના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેનાથી તેમને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડી શકે છે.
MGVCL કચેરીએ એકઠા થયેલા ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા સ્પષ્ટ ચીમકી આપી હતી કે, જો આગામી બે દિવસની અંદર ખેતી વિષયક વીજળીની સમસ્યાનું કાયમી અને યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન હાથ ધરશે અને ચક્કાજામ જેવા જલદ કાર્યક્રમો આપશે.
બીજી તરફ આ મામલે સ્પષ્ટતા કરતા MGVCL તેજગઢના ડેપ્યુટી એન્જિનિયર મંત્ર પટેલે જણાવ્યું હતું કે, "તકનીકી ખામીઓ અને લાઈનમાં આવેલી અણધારી સમસ્યાઓના કારણે વીજ પુરવઠામાં ક્ષતિ સર્જાઈ હતી.
ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવી છે. અમારી ટેકનિકલ ટીમ દ્વારા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ વીજ પુરવઠો પૂર્વવત કરી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ લાવી દેવામાં આવશે.
