Botad: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી સાથે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પિતા-પુત્રની આ જોડીએ હનુમાન દાદાના ચરણોમાં શીશ ઝૂકાવી વિશેષ પૂજા-અર્ચના કરી હતી.
કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગાયની પૂજા કરી હતી. જે બાદ તેઓએ ભક્તિભાવ સાથે મંદિરના શિખર પર ધજા ચડાવી હતી. પિતા-પુત્ર દાદાના દર્શન કરીને ભાવવિભોર જણાતા હતા.
તેમની મુલાકાત દરમિયાન મંદિરના કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને ખાસ વિનંતી કરી હતી કે, સાળંગપુર હનુમાનજી મંદિરની દૈનિક આરતીનું 'Jio' પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવે, જેથી વિશ્વભરના ભક્તો દાદાના દર્શનનો લાભ લઈ શકે. આ સૂચનને મુકેશ અંબાણીએ સહર્ષ સ્વીકાર્યું હતું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર જ પુત્ર અનંત અંબાણીને સૂચના આપી હતી.

અંબાણી પરિવારના આગમનને પગલે સાળંગપુરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મુકેશ અંબાણી અને અનંત અંબાણી જ્યારે મંદિરથી વિદાય લઈ રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર જનમેદનીએ 'જય શ્રી રામ' અને 'જય કષ્ટભંજન'ના નારા લગાવીને સમગ્ર વાતાવરણ ગજવી દીધું હતું. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અંબાણી પરિવારે હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
