Botad: આમ આદમી પાર્ટીને કમજોર કરવા માટે હાલ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે, આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જોડાઈ શકે તેમ છે. આ ફક્ત અફવા છે, આવી કોઈ વાતોમાં તથ્ય નથી. આ મુદ્દા પર આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને નોર્થ ઝોન પ્રભારી રાજેશ શર્મા અને આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ અફવાઓનું ખંડન કર્યું.
વિધાનસભા ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ અફવાઓનું ખંડન કરતા જણાવ્યું હતું કે, મીડિયાના મારફતે મને જાણવા મળ્યું કે 'આપ' ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, આવી તમામ વાતોનો હું ખંડન કરું છું. જે પણ લોકો આ રીતે ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે તેમના વિરુદ્ધ અમે કાયદેસરના પગલાં લઈશું.
2020માં મેં આમ આદમી પાર્ટી જોઇન કરી હતી અને 2022માં હું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો અને બોટાદની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો હતો. આમ આદમી પાર્ટી વતી મોટાભાગના મુદ્દાઓ મેં વિધાનસભામાં ઉપાડ્યા છે. ગત વિધાનસભાના બજેટ સત્રમાં સૌથી વધુ મુદ્દાઓ મેં ઉઠાવ્યા હતા અને સવાલો કર્યા હતા.
મને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માટે મારા વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે, હું ભાજપમાં જોડાઈશ. જો કે આવી તમામ અફવાઓનું હું ખંડન કરું છું. આ અગાઉ પણ મેં ખુલાસો કર્યો હતો કે, હું ક્યારેય પણ ભાજપમાં જોડાઈશ નહીં અને આજે પણ જણાવી રહ્યો છું કે હું ક્યારેય પણ ભાજપમાં જોડાઈશ નહીં.
ભાજપ તરફથી મને ક્યારેય કોઈ ઓફર પણ આપવામાં નથી આવી, મારી કોઈની સાથે આવી વાત પણ નથી થઈ અને કોઈની સાથે આ મુદ્દે કોઈ મિટિંગ પણ થઈ નથી. આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારું કામ કરી રહી છે. આમ આદમી પાર્ટી ટૂંક જ સમયમાં પોતાનું વધુ મજબૂત સંગઠન બનાવશે. આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણી પૂરી તાકાત સાથે લડવા જઈ રહી છે. આ સાથે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તે પણ અમે મજબૂતાઈથી લડવા જઈ રહ્યા છીએ.
વિસાવદરના કાર્યકર્તા મહાસંમેલનમાં હું હાજર રહ્યો ન હતો કારણ કે મારે પરિવારમાં એક હેલ્થનો ઇશ્યૂ હતો. આ અગાઉ મેં અને બીજા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ પણ આ મુદ્દે પાર્ટીને વાત કરી હતી કે અમે કાર્યક્રમમાં હાજર રહી શકીશું નહીં. ફક્ત અમારી હાજરી ન હોવાના કારણે અમારા વિરુદ્ધ આ રીતની ફેક ન્યુઝ ફેલાવવામાં આવતી હોય તો તે ખૂબ જ નિંદનીય બાબત છે. જો મુદ્દા ઉઠાવવા હોય તો અદાણીના પોર્ટ પર મળતા ડ્રગ્સનો મુદ્દો ઉઠાવો, ખેડૂતોનો મુદ્દો ઉઠાવો. અત્યાર સુધી મેં ખેડૂતોનો, યુવાનોનો, ફ્રી વીજળી માટેનો અને આવા બીજા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
જે બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ઉમેશભાઈ જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારથી જ તેઓ પાર્ટીમાં ખૂબ જ સક્રિય છે. મને ગર્વ થાય છે કે, આજે ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે સવાલ પૂછનારા ધારાસભ્ય તરીકે પહેલા નંબર પર ઉમેશભાઈ મકવાણાનું નામ આવે છે.
ઉમેશભાઈ મકવાણા બોટાદથી ધારાસભ્ય બન્યા છે તેનો મતલબ કે તેઓ એ અગાઉ બોટાદના સંગઠનમાં ખૂબ જ મજબૂતીથી કામ કર્યું છે અને આખું સંગઠન પણ તેમની સાથે છે. હાલ પણ બોટાદમાં જે સંગઠન બની રહ્યું છે તે સંગઠન પણ ઉમેશભાઈ મકવાણાની સહમતિ સાથે જ બનશે. આમ આદમી પાર્ટીના કોઈપણ ધારાસભ્યો વચ્ચે પણ કોઈપણ પ્રકારના મતભેદ નથી. હવે આગામી 23 તારીખથી અમારા પ્રભારી અને બંને સહ પ્રભારી તમામ લોકસભાઓનો પ્રવાસ શરૂ કરીશું.
જે બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને નોર્થ ઝોન પ્રભારી રાજેશ શર્માએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનું કામ ખૂબ જ તેજીમાં ચાલી રહ્યું છે. વિસાવદરમાં આયોજીત અમારું કાર્યકર્તા મહાસંમેલન ખૂબ જ સફળ રહ્યું જેના કારણે અમુક લોકોએ બૌખલાહટમાં આવીને આ રીતની ખોટી અફવાઓ ફેલાવી હોય તેવું લાગી રહ્યું છે.
ઉમેશભાઈ મકવાણા જ્યારથી પાર્ટીમાં જોડાયા છે ત્યારથી હું તેમને ઓળખું છું અને તેઓ પાર્ટી માટે ખૂબ જ સમર્પિત કાર્યકર્તા છે. ધારાસભ્ય બન્યા બાદ તેઓ દર વર્ષે એફિડેવિટ આપીને પોતાની સંપત્તિની માહિતી જનતા સમક્ષ રજૂ કરે છે. આ સાથે સાથે તેઓ દર વર્ષે પોતાનું રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરે છે જેમાં તેઓ જણાવે છે કે તેમણે કેટલું કામ કર્યું.
