Ahmedabad: અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે 6 હજારથી વધુ પાનાની ચાર્જશીટ ફાઈલ કરી છે. ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 30 સાક્ષીઓના નિવેદન સામેલ કરવામાં આવ્યા છે.
ગત ફેબ્રુઆરી મહિનામાં ખ્યાતિ કાંડમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હોસ્પિટલના CEO રાહુલ જૈન, ડૉ પ્રશાંત વઝીરાણી, રાજશ્રી કોઠારી, સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત, પ્રતિક ભટ્ટ, મિલિન્દ પટેલ અને પંકિલ પટેલ સહિત 8 આરોપીઓ વિરુદ્ધ 5670 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જો કે તે સમયે મુખ્ય આરોપી એવો કાર્તિક પટેલ વિદેશમાં હોવાથી તેની સામે પુરવણી ચાર્જશીટ દાખલ કરશે તેમ જણાવાયું હતુ.
એવામાં કાર્તિક પટેલની ધરપકડ કર્યાં બાદ હવે તેની વિરુદ્ધ ગ્રામ કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઈલ કરી છે. 6 હજારથી વધુ પાનાની ચાર્જશીટમાં 130 મહત્ત્વના સાક્ષીઓના નિવેદન ઉપરાંત 164 મુજબ 7 વ્યક્તિના લેવાયેલા નિવેદનો સામેલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાત ક્રાઈમ બ્રાન્ચની ટીમે 20 જેટલા ઈલેક્ટ્રોનિક પુરાવા ઉપરાંત PMJAYની SoP સહિતના ડૉક્યુમેન્ટ કબજે કર્યાં છે. આ સાથે જ સરકાર દ્વારા જે-તે સમયે રચવામાં આવેલી કમિટીના રિપોર્ટનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા 34 બેંક એકાઉન્ટની વિગતો પણ ઉમેરવામાં આવી છે. તેમજ 35 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ અને હોસ્પિટલના ઓડિટ ચાર્જનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
