Botad: T20 વિશ્વકપમાં વિજેતા થયા બાદ ટીમ ઈન્ડિયાના હેડ કૉચ ગૌતમ ગંભીર દેશના વિવિધ મંદિરોમાં જઈને ભગવાનના દર્શન કરી રહ્યા છે. તાજેતરમાં જ ગૌતમ ગંભીર રાજસ્થાન સ્થિત જગવિખ્યાત સાલાસર બાલાજી અને ખાટુ શ્યામ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. જે બાદ આજે હેડ કૉચ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે.
હકીકતમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં વિજયી બને તે માટે રાખેલી માનતા પૂરી કરવા માટે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાળંગપુરધામમાં હનુમાનદાદાના શરણમાં પહોંચ્યા હતા.
આ તકે ગંભીર અને સૂર્યકુમાર પોતાની સાથે વર્લ્ડકપની ટ્રોફી લઈને આવ્યા હતા. જ્યાં બન્ને દિગ્ગજોએ હનુમાનજીના ગર્ભગૃહમાં જોઈને વર્લ્ડકપની ટ્રોફી હનુમાનદાદાના ચરણોમાં અર્પણ કરી હતી.
આ સાથે જ હેડ કોચ ગૌતમ ગંભીર તેમજ સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ધ્વજારોહણ કર્યું હતું. મંદિરના સંતોની ઉપસ્થિતિમાં હનુમાન દાદાના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સુખ-શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે મંદિરના સંતો-મહંતો દ્વારા કેપ્ટન સૂર્યાકુમાર અને કોચ ગૌતમ ગંભીરનું સન્માન કરવામાં આવ્યું હતુ.
આ અંગે કેપ્ટન સૂર્યાકુમાર યાદવે જણાવ્યું કે, વિશ્વકપ જીતવો એ સમગ્ર દેશનું સપનું હતુ. જે હનુમાન દાદાની કૃપાથી શક્ય બન્યું છે. આજે વર્લ્ડકપની ટ્રોફી દાદાના ચરણે અર્પણ કરીને અમે ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ.
આજના દિવસનું વિશેષ આકર્ષણ દાદાનું સિંહાસન હતું. ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને 2000 કિલોથી વધુ સિઝનલ કેરીઓનો ઉપયોગ કરીને દાદાનું સિંહાસન અત્યંત કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે, તાજેતરમાં જ ICC T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. કોચમ ગૌતમ ગંભીરના માર્ગદર્શન અને સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરીને આ સિદ્ધિ હાંસલ કરવા વિશ્વની બીજી ટીમ બની ગઈ છે. ગત બુધવારે જ હેડ કોચ ગૌતમ ગંભીરે રાજસ્થાનના ચુરુ સ્થિત સાલાસર બાલાજીધામ તેમજ સીકર સ્થિત ખાટુ શ્યામ મંદિરમાં જઈને દર્શન કર્યાં હતા.
