Paresh Goswami Ni Aagahi: તાજેતરમાં જ હવામાન વિભાગ તેમજ અગાઉ એપ્રિલના રોજ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા ભારતમાં આ વર્ષે ચોમાસું (Monsoon 2026) નબળું રહેવાનો વરતારો જાહેર કર્યો હતો.
આ સાથે જ એક પછી એક પસાર થતાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત બદલાતા હવામાનથી પાક નુકસાની ભોગવી રહેલ ખેડૂત ચોમાસાની આગાહીથી ચિંતિત જોવા મળ્યો હતો. જો કે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ચૈત્રી દનૈયાના આધારે ચોમાસું સારું રહેવાના સંકેત આપ્યા છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ ચૈત્ર મહિનાની વદ પાંચમથી વદ બારસ સુધીની ચૈત્રી દનૈયા પૂર્ણ થયા છે. જેના વિશ્લેષણ પરથી 2026ના ચોમાસાને લઈને મહત્ત્વના સંકેત મળી રહ્યા છે. આ વર્ષે ચૈત્રી દનૈયા મધ્યમ પ્રકારના રહ્યા છે, જે આગામી ચોમાસું નબળું રહેવાની શક્યતા નહિવત છે.
ચૈત્રી દનૈયાના દિવસો દરમિયાન ઊંચુ તાપમાન ચોમાસા માટે પોઝિટિવ રહ્યુ
ગત 7 થી 14 એપ્રિલ સુધી ચૈત્રી દનૈયાનો સમયગાળો હતો. જો કે 7 એપ્રિલના રોજ પ્રથમ દનૈયું 90 ટકા વિસ્તારોમાં નબળું રહ્યું હતું. જો કે ત્યારબાદના દિવસોમાં સ્થિતિ સુધરી હતી.
દનૈયા દરમિયાન આકાશ સાફ રહેવું અને તાપમાન ઊંચું રહેવું જરૂરી હોય છે. આ વખતે મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી અને અમુક જગ્યાએ 42 ડિગ્રીથી પણ વધુ નોંધાયું હતું, જે સારા ચોમાસા માટે પોઝિટિવ સંકેત છે. જોકે, અમુક વિસ્તારોમાં પવનની વધુ ઝડપ અને ઝાકળ જોવા મળ્યું હતું, જેને કારણે દનૈયા એકંદરે 'મધ્યમ' ગણાય.
વૈજ્ઞાનિક અને દેશી વિજ્ઞાનના તારણો સ્કાયમેટ અને સરકારી હવામાન વિભાગ દ્વારા ભારત માટે કદાચ નબળા ચોમાસાની આગાહી હોઈ શકે, પરંતુ ગુજરાતના સંદર્ભમાં સ્થિતિ આશાસ્પદ છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, આ વર્ષે અલનીનો સક્રિય હોવા છતાં, IOD (Indian Ocean Dipole) પોઝિટિવ ફેઝમાં રહેવાની શક્યતા છે, જે ગુજરાત માટે ફાયદાકારક સાબિત થશે.
આ ઉપરાંત દેશી વિજ્ઞાનના માપદંડો જેવા કે હોળીના પવન અને કસ-કાતરાના વરતારા પણ અત્યાર સુધી નબળા ચોમાસાના કોઈ સંકેત આપતા નથી. જેના પરથી એટલું કહી શકાય કે, આ વર્ષે રાજ્યના 90 થી 95 ટકા ભાગોમાં ચોમાસું એકંદરે સારું રહી શકે છે.
