Lee Fortis Controversy: લંડનનું ઐતિહાસિક 'ધ ઓવલ' ગ્રાઉન્ડ ફરી એકવાર રમત કરતા વધુ વિવાદને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. પોતાની તીખી જબાન અને અસભ્ય વર્તન માટે જાણીતા હેડ ગ્રાઉન્ડ્સમેન લી ફોર્ટિસ (Lee Fortis) પર શિસ્તભંગના ગંભીર આરોપો હેઠળ સરે કાઉન્ટી ક્લબે લાલ આંખ કરી છે.
ગયા વર્ષે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે મગજમારી કરનાર આ ગ્રાઉન્ડ્સમેને આ વખતે ક્રિકેટ બોર્ડના જ કર્મચારી સાથે ગંભીર ગેરવર્તણૂક કરી છે, જેના પરિણામે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને અનિશ્ચિત મુદતની રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.
શરૂઆત ક્યાંથી થઈ: 'ધ હંડ્રેડ' મેચ દરમિયાનનો હોબાળો
આ સમગ્ર ઘટના 'ધ હંડ્રેડ' ટુર્નામેન્ટ દરમિયાન એમઆઈ લંડન અને લંડન સ્પિરિટ વચ્ચે રમાનાર મુકાબલાના આગલા દિવસે બની હતી. 28 જુલાઈના રોજ જ્યારે બંને ટીમ ધ ઓવલના મેદાન પર પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે ગ્રાઉન્ડ અને પિચ સુપરવિઝનને લઈને લી ફોર્ટિસ અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના એક ઓફિશિયલ વચ્ચે તુ-તુ-મેં-મેં શરૂ થઈ હતી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફોર્ટિસનો અહંકાર અને અસભ્ય બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે સત્તાવાર જવાબદારી નિભાવી રહેલો ECBનો કર્મચારી ગ્રાઉન્ડ પર જ ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડ્યો હતો.
મામલો ગરમ થતાં સરે કાઉન્ટી ક્લબના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ એલવર્થી પોતે મેદાન પર પહોંચ્યા હતા. તેમણે કડક વલણ અપનાવીને ફોર્ટિસનો ઉધડો લીધો હતો.
સ્ટીવ સાથેની આકરી વાતચીત બાદ ફોર્ટિસ પોતાનો સામાન પેક કરીને ધ ઓવલથી બહાર નીકળી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ તેમની વાપસી લગભગ અશક્ય માનવામાં આવી રહી છે.
જ્યારે ગૌતમ ગંભીર સામે પંગો લેવો ભારે પડ્યો હતો
લી ફોર્ટિસ પોતાના અહંકારી સ્વભાવ માટે જાણીતા છે. આ પહેલાં ભારત-ઇંગ્લેન્ડ સિરીઝ દરમિયાન પણ તેમણે ભારતીય કેમ્પ સાથે પણ આવું જ વર્તન કર્યું હતું. ત્યારે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે- તમે માત્ર એક ગ્રાઉન્ડ્સમેન છો અને ગ્રાઉન્ડ્સમેન જ રહેશો! અમને શીખવવાની જરૂર નથી.
ભારતીય ટીમ જ્યારે પિચનું નિરીક્ષણ કરી રહી હતી ત્યારે ફોર્ટિસે ગંભીર અને ટીમના સપોર્ટ સ્ટાફને પિચથી 2.5 મીટર દૂર રહેવા રોફ માર્યો હતો. ગંભીરે તે સમયે જ ફોર્ટિસને તેમની મર્યાદા યાદ અપાવી દીધી હતી. તે સમયે ભારતીય બેટિંગ કોચ સિતાંશુ કોટકે પણ પ્રેસ સમક્ષ ખુલ્લેઆમ કહ્યું હતું કે, ફોર્ટિસ અત્યંત ઘમંડી અને વ્યવસાયિક મર્યાદાઓ ભૂલી જનારા વ્યક્તિ છે.
સફળ કારકિર્દી પર લાગ્યો કાળો દાગ
માત્ર 30 વર્ષની નાની વયે (વર્ષ 2012માં) ધ ઓવલ જેવા પ્રતિષ્ઠિત ગ્રાઉન્ડના હેડ ક્યુરેટર બનનાર લી ફોર્ટિસનું કામ ક્રિકેટ ક્ષેત્રે ઘણું સરાહનીય રહ્યું છે.
હેટ્રિક એવોર્ડ: તેમણે 2022, 2023 અને 2024માં સતત ત્રણ વખત ECBનો 'ગ્રાઉન્ડ્સ મેનેજર ઓફ ધ યર'નો એવોર્ડ જીત્યો હતો.
સરેનો દબદબો: તેમના કાર્યકાળ દરમિયાન જ સરે ટીમે સતત ત્રણ વાર કાઉન્ટી ચૅમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
આટલું બહુલક્ષી યોગદાન હોવા છતાં, પોતાના શોર્ટ-ટેમ્પર્ડ સ્વભાવ અને અહંકારને કારણે લંડનના સૌથી પ્રખ્યાત ગ્રાઉન્ડ્સમેન આજે પોતાની જ કારકિર્દીના અંત તરફ ઊભા રહી ગયા છે.
