Mundra port Drugs: મુન્દ્રા પોર્ટ પર ઝડપાયું 200 કિલો ડ્રગ્સ, ઊનની આડમાં છુપાવેલું; દિલ્હી કનેક્શન ખુલ્યું

આ ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 115 કરોડ કરતા વધુ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 16 May 2026 09:04 AM (IST)Updated: Sat, 16 May 2026 09:04 AM (IST)
mundra-port-ncb-seized-200-kg-drugs-smuggled-from-syria-kutch-news
HIGHLIGHTS
  • મુન્દ્રા પોર્ટ પર 115 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • સિરિયાથી ઊનના કન્ટેનરમાં આવ્યું હતું

Rs 115 crore Drugs seized at Mundra port: કચ્છના મુન્દ્રા પોર્ટ પર વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) અને કસ્ટમ વિભાગની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB) દ્વારા સંયુક્ત ગુપ્ત ઓપરેશન હેઠળ અંદાજે 200 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઝડપાયેલા નશીલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 115 કરોડ કરતાં પણ વધુ આંકવામાં આવી રહી છે.

ગુપ્ત ઓપરેશન: ઓટોરિક્ષામાં પહોંચી NCB ટીમ

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ગુપ્ત રીતે કરવામાં આવી હતી. કોઈને શંકા ન જાય તે માટે NCB અધિકારીઓ પોર્ટ પર ઓટો રિક્ષામાં બેસીને પહોંચ્યા હતા. આ ગુપ્ત ઓપરેશન હેઠળ હાથ ધરેલી તપાસ દરમિયાન ઉનની આડમાં છુપાવેલો 200 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂપિયા 115 કરોડ કરતા વધુ છે.

ઊનની આડમાં સિરિયાથી આવ્યું 200 કિલો ડ્રગ

આ ડ્રગ્સ સિરિયાથી આયાત કરવામાં આવેલા એક કન્ટેનરમાં છુપાવવામાં આવ્યું હતું, જેના સત્તાવાર દસ્તાવેજોમાં ઊનની આયાત દર્શાવવામાં આવી હતી. કસ્ટમ વિભાગની મદદથી આ શંકાસ્પદ કન્ટેનરને ઓળખી કાઢવામાં આવ્યું અને તેને ટ્રાન્સવર્લ્ડ કન્ટેનર ફ્રેટ સ્ટેશન (CFS) ખાતે ખસેડાયા બાદ, સ્થાનિક આયાતકારની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

દિલ્હી કનેક્શન અને સ્થાનિક આરોપીની ધરપકડ

આ કેસમાં ડ્રગ્સનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. NCB દ્વારા મુન્દ્રાના એક સ્થાનિક આયાતકારની ઓળખ કરીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ જથ્થો દિલ્હીની કોઈ પાર્ટી દ્વારા આયાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં બારોઇ વિસ્તારના એક શખ્સની શંકાસ્પદ ભૂમિકા પણ તપાસના દાયરામાં છે.

બારોઇ વિસ્તારના એક શખ્સે ડ્રગ માફિયાઓને સ્થાનિક સ્તરે 'ગોઠવણ' કરી આપી હોવાની અટકળો છે. તે દિશામાં કસ્ટમની SIIB શાખા અને DRI સઘન તપાસ ચલાવી રહ્યા છે. હાલમાં પકડાયેલા ડ્રગ્સના નમૂના મેળવીને તેને સીઝ કરવામાં આવ્યો છે. વધુમાં આ આંતરરાષ્ટ્રીય નેટવર્કના તાર ક્યાં જોડાયેલા છે તે શોધવા એજન્સીઓએ તપાસ તેજ કરી છે.

મુન્દ્રા પોર્ટ અને ડ્રગ્સ: અગાઉ પણ પકડાયું છે ડ્રગ

નોંધનીય છે કે, મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ પકડાવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. અગાઉ સપ્ટેમ્બર 2021માં અફઘાનિસ્તાનથી આવેલું 2988 કિલો હેરોઈન (અંદાજિત 22 હજાર કરોડ), મે 2022 માં 260 કરોડનું 52 કિલો હેરોઈન, અને જુલાઈ 2022 માં ગુજરાત ATS દ્વારા 376 કરોડનું 75 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.