Kutch Drone Debris: ગુજરાત અને ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ડ્રગના પેકેટ મળવાના કિસ્સા બનતા રહે છે. જોકે, આ વખતે અબડાસા તાલુકાના સિંધોડી ગામના દરિયાકાંઠેથી એક વિશાળ ડ્રોનનો કાટમાળ મળી આવ્યો હતો. જેના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે, અને સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે.
10x3 ફૂટનું વિશાળ પાંખિયું મળ્યું
મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ સિંધોડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમને દરિયાકિનારે આશરે 10 ફૂટ લાંબું અને 3 ફૂટ પહોળું એક વિશાળ પાંખિયું જોવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ કાટમાળ કોઈ મોટા ડ્રોન અથવા માનવરહિત વિમાન (UAV) નો ભાગ હોવાનું જણાઈ રહ્યું છે. આટલી મોટી સાઈઝનો ભાગ મળી આવતા તે કોઈ જાસૂસી ડ્રોન કે ટાર્ગેટ ડ્રોન હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.
વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આ શંકાસ્પદ વસ્તુ જપ્ત કરવામાં આવી હતી. જે બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ આ મામલાની તપાસમાં જોડાઈ ગઈ છે. હાલમાં વિવિધ એજન્સીઓની ટીમો દ્વારા તપાસ અને દરિયાઈ પેટ્રોલિંગ તેજ કરી દેવામાં આવ્યું છે, જેમાં નીચે મુજબની એજન્સીઓ સામેલ છે:
- SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), પશ્ચિમ કચ્છ પોલીસ
- LIB ફિલ્ડ (લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરો)
- જખૌ પોલીસ
- સ્ટેટ IB (ઇન્ટેલિજન્સ બ્યુરો)
આ ડ્રોનનો ભાગ ક્યાંથી આવ્યો, તે પાકિસ્તાની સરહદ તરફથી તણાઈને ભારતીય જળસીમામાં આવ્યો છે કે કોઈ અન્ય ટેકનિકલ ખામીને કારણે અહીં પડ્યો છે, તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હાલ આ ટુકડાને એરફોર્સને સોંપવામાં આવ્યો છે, જ્યાં તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Bhuj: 384 કરોડના હેરોઈન સ્મગલિંગ કેસમાં ભુજ કોર્ટનો ચુકાદો, 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની સખત કેદ
સંવેદનશીલ સરહદ પર 'બાજ નજર'
કચ્છ જિલ્લો રણ, ડુંગર અને વિશાળ દરિયાકિનારો ધરાવે છે અને તે પાકિસ્તાન સાથે સીધી આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલો અતિ સંવેદનશીલ વિસ્તાર છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે અહીં ઘૂસણખોરી અને ડ્રગ્સની હેરાફેરીના પ્રયાસો અવારનવાર થતા રહે છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પણ મરીન ટાસ્ક ફોર્સ અને મરીન કમાન્ડો આ વિસ્તારમાં એલર્ટ મોડ પર જ હતા. આ તાજેતરની ઘટના બાદ સમગ્ર દરિયાઈ પટ્ટી પર 'બાજ નજર' રાખવામાં આવી રહી છે અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
