Nakhatrana Blast News: કચ્છ જિલ્લાના નખત્રાણ પંથકમાંથી એક અત્યંત હચમચાવી નાખનારા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શનિવારે બનેલી એક ગોઝારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે. જેમાં કોટડા જડોદર નજીક આવેલા ભાગણવાડા વિસ્તારમાં એક ચાલુ વાહનમાં અચાનક થયેલા પ્રચંડ વિસ્ફોટે ચાર લોકોના જીવ લીધા છે.
રસ્તા પરથી પસાર થતાં છોટા હાથીમાં ધડાકો, વાહનના ફૂરચે-ફૂરચા ઉડ્યા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નખત્રાણાના ભાગણવાડા વિસ્તારમાંથી એક 'છોટા હાથી' (મિનિ ગુડ્સ વાહન) પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક તેમાં કોઈ અગમ્ય કારણોસર જોરદાર ધડાકો થયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી અને ભયાનક હતો કે, તેનો અવાજ દૂર-દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો.
બ્લાસ્ટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, વાહનના પાછળના ભાગના કુરચેફુરચા ઉડી ગયા હતા. અચાનક થયેલા આ વિસ્ફોટથી આસપાસના માર્ગો પર અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ ઘટનામાં બે બાળકો સહિત 4 લોકોના મોત નીપજ્યા છે. જેમની ઓળખ મામદ ઈલિયાસ કુંભાર (30), નુરમામદ ઈલિયાસ (26), હસનેન મામદ (3), નૂર ફાતિમા (3) તરીકે થઈ છે.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઉપરાંત ફોરેન્સિક ટીમનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ તો વાહનમાં વિસ્ફોટ કયા કારણોસર થયો, શું કોઈ જ્વલનશીલ પદાર્થ, સિલિન્ડર કે અન્ય કોઈ બાબત જવાબદાર હતી? તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
