Kutch: આજે સમગ્ર દેશમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. એવામાં ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કચ્છના સરક્રીક વિસ્તારમાં જઈને સેનાના જવાનો સાથે દિવાળીનો તહેવાર મનાવ્યો હતો. આ સમયે સેનાના યુનિફોર્મમાં સજ્જ PM મોદીએ જવાનોને મીઠાઈ પણ ખવડાવી હતી.
હકીકતમાં જ્યારથી નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા છે, ત્યારથી તેઓ દર વર્ષે સેનાના જવાનો સાથે દિવાળીનો પર્વ મનાવતા આવ્યા છે. આજે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિના અવસરે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
PM મોદીએ સેનાના જવાનોને સંબોધન કરતાં જણાવ્યું કે, તમારી સાથે દિવાળીનો તહેવાર મનાવવાની તક મળવી સૌથી મોટી ખુશી છે. આજે દેશમાં એક એવી સરકાર છે, જે ભારતની એક ઈંચ જમીન માટે પણ સમજૂતી કરતી નથી. 21મી સદીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આજે આપણી સેનાને આધુનિક સશસ્ત્ર સરંજામથી સજ્જ બનાવી રહ્યા છીએ.
અગાઉ PM મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટી નજીક એક જનસભાને પણ સંબોધન કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આતંકવાદીઓના આકાઓને ખ્યાલ આવી ગયો છે કે, હવે ભારતનું કશું બગાડી શકાય તેમ નથી, કારણ કે આજે આપણો દેશ આતંકવાદીઓને નહીં છોડે.
આ સિવાય PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવતા લખ્યું હતું કે, હું પ્રકાશના આ પર્વ પર દરેકના સ્વસ્થ, સુખમય અને સૌભાગ્યપૂર્ણ જીવનની કામના કરું છું. માઁ લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશની કૃપાથી સૌ કોઈનું કલ્યાણ થાય.
