Salman Khan Death Threat: બૉલિવૂડના 'બજરંગી ભાઈજાન' સલમાન ખાન છેલ્લા ઘણાં વર્ષોથી લૉરેન્શ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે અને છાશવારે અભિનેતાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે. એવામાં સલમાન ખાન પાસેથી રૂ. 2 કરોડની ખંડણી માંગનાર એક શખ્સને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યો છે.
હકીકતમાં ગઈકાલે અજાણ્યા ઈસમ દ્વારા સલમાન ખાનને ઉદ્દેશીને મુંબઈ પોલીસને મેસેજ મોકલવામાં આવ્યો હતો. જેમાં સલમાન ખાન પાસે રૂ. 2 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જો 2 કરોડ ના આપવામાં આવે, તો સલમાન ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.
આ પણ વાંચો
આ મામલે મુંબઈ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ FIR નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આજે બાન્દ્રા વિસ્તારમાંથી એક યુવકને ઉઠાવી લીધો છે. જેની ઓળખ આઝમ મહોમ્મદ મુસ્તુફા તરીકે થઈ છે.
જણાવી દઈએ કે, કાળિયાર હરણના શિકાર મામલે લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી બૉલિવૂડ અભિનેતાને અગાઉ અનેક વખત જાનથી મારી નાંખવાની ધમકી મળી ચૂકી છે. બિશ્નોઈ ગેંગે ધમકી આપી છે કે, સલમાન ખાને બિશ્નોઈ સમાજ સમક્ષ માફી માંગવી જોઈએ, નહીંતર ગંભીર પરિણામ ભોગવવા પડશે.
અગાઉ NCPના ઉમેદવાર જીશાન સિદ્દીકીને પણ ફોન પર ધમકી મળી હતી. જેમાં ધમકી આપનારે સલમાન ખાનનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલે પણ મુંબઈ પોલીસે કાર્યવાહી કરીને સેક્ટર 92થી મોહમ્મદ તૈય્યબ (20)ની ધરપકડ કરી હતી. જે મૂળ ઉત્તર પ્રદેશના બરેલીનો વતની છે, પરંતુ હાલ દિલ્હીમાં રહેતો હતો. હાલ તો આરોપીને ટ્રાન્ઝીટ રિમાન્ડ પર લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.
