ટાઈગર શ્રોફની હત્યાનો પ્રયાસ, એકની ધરપકડ; જાણો અત્યાર સુધી શું-શું થયું, કેવી રીતે ઝડપાયો આરોપી?

પોલીસે સાંતાક્રુઝ વિસ્તારમાંથી એક વ્યક્તિની અટકાયત કરી તેની ધરપકડ કરી લીધી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 19 Oct 2026 08:03 AM (IST)Updated: Mon, 19 Oct 2026 08:03 AM (IST)
tiger-shroff-firing-incident-juhu-mumbai-seven-rounds-fired-suspect-arrested-police-investigation

Tiger Shroff Firing: બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર મુંબઈના જુહુ વિસ્તારમાં મોટરસાયકલ પર આવેલા હુમલાખોરોએ ફાયરિંગ કરતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ઘટનામાં ટાઇગર શ્રોફના ડ્રાઇવર અને નજીકમાં ઊભેલા એક અન્ય શખ્સ ઘાયલ થયા છે. જ્યારે ટાઇગર શ્રોફ પોતે આ હુમલામાં આબાદ બચાવ થતા સુરક્ષિત રહ્યા છે. આ મામલે કાર્યવાહી કરતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

સાંતાક્રુઝમાંથી એક શંકાસ્પદની ધરપકડ

 

રવિવારે સાંજે જુહુ સ્થિત પુષ્પા પાર્ક નજીક આ ઘટના બની હતી. મોટરસાયકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ અભિનેતાની કારને નિશાન બનાવીને 7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ટાઇગર શ્રોફનો આબાદ બચાવ થયો હતો. આ મામલે ત્વરીત કાર્યવાહી કરતા પોલીસે સાંતાક્રુઝ વિસ્તારમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી તેની ધરપકડ કરી લીધી છે.

ફૂટબોલ રમીને પરત ફરતી વખતે થયો હુમલો

DCP મોહિત ગર્ગના જણાવ્યા અનુસાર, ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પોતાના ડ્રાઇવર સાથે કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ તેમની કાર પાસે પહોંચેલા મોટરસાયકલ સવાર હુમલાખોરોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં ડ્રાઇવર ફિરદોસ અને નજીકમાં ઊભેલા ઉમેશ ચરણને નામના વ્યક્તિને ગોળી વાગતા ઈજા પહોંચી હતી.

ડ્રાઇવર ફિરદોસના ડાબા હાથમાં ગોળી વાગી હતી, જેમને તાત્કાલિક નજીકની નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે નજીકમાં ઊભેલા ઉમેશ ચરણને પણ ગોળી વાગતાં કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, અને તેઓ ખતરાની બહાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

ફાયરિંગ કરી 3 હુમલાખોર SV રોડ તરફ ભાગ્યા

પોલીસના જણાવ્યા મુજબ, સફેદ શર્ટ પહેરેલા ત્રણેય હુમલાખોરો ફાયરિંગ કર્યા બાદ SV રોડ અને વિલે પાર્લે રેલવે સ્ટેશન તરફ ભાગી ગયા હતા. ટાઈગર કાર પર 7 રાઉન્ડ ગોળીઓ ફાયર કરવામાં આવી હતી. આ ઘટનાસ્થળ જુહુ પોલીસ સ્ટેશન અને પુષ્પા પાર્કથી આશરે 350 મીટર દૂર આવેલું છે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ટાઈગર શ્રોફને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી.

15 ટીમ અને CCTV દ્વારા તપાસ, FIR નોંધાઈ

પોલીસે આ મામલે FIR નોંધીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ પોલીસ ટાઈગર શ્રોફ પાસે એ જાણકારી મેળવી રહી છે કે શું તેમને તાજેતરમાં કોઈ ધમકીભર્યા કોલ કે ચેતવણી મળી હતી કે નહીં. હુમલાખોરોની માહિતી મેળવવા માટે પોલીસની 15 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

જુહુ પોલીસ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે, જેથી હુમલાખોરોની ઓળખ થઈ શકે અને તેમના ભાગવાના રૂટની માહિતી મળી શકે. આ ઉપરાંત પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરીને હુમલાખોરો, ભાગવાના રસ્તા અને ગુનામાં વપરાયેલી મોટરસાયકલો અંગે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.

ટાઈગરે પોતે કાર ચલાવી ડ્રાઈવરને હોસ્પિટલ પહોંચાડ્યા

ડ્રાઇવર ફિરદોસને ગોળી વાગ્યા બાદ ટાઇગર શ્રોફે ભારે હિંમત બતાવી હતી. ડ્રાઇવરને ગોળી વાગતાં જ ટાઇગરે તેને પોતાની સીટ પર બેસાડી દીધો અને પોતે ડ્રાઇવિંગ સીટ સંભાળીને કાર ચલાવીને ડ્રાઇવરને તરત નાણાવટી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જેકી શ્રોફે પણ ટાઇગર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને JCP મનોજ શર્મા પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસની સમીક્ષા કરી હતી.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોએ કર્યો જવાબદારી લેતો દાવો

પોલીસ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા એક દાવાની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જે કથિત રીતે અનિલ પંડિત અને હરમન સંધૂ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે. આ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે હુમલાની જવાબદારી સ્વીકારી છે. પોસ્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ટાઇગર શ્રોફને સલમાન ખાન સાથેના તેમના સંબંધો અથવા તેમની સાથે કામ કરવાના કારણે નિશાન બનાવવામાં આવ્યા છે.

વાયરલ થયેલા આ ઇન્ટરનેટ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાન ખાન સાથે કામ કરવા બદલ ટાઇગર શ્રોફ સામે નારાજગી હતી અને અગાઉ ચેતવણી પણ આપવામાં આવી હતી. આ પોસ્ટમાં મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા તમામ લોકોને પણ ધમકી આપવામાં આવી છે જેમણે સલમાન ખાન સાથે કામ કર્યું છે. અનિલ પંડિતનો સંબંધ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે હોવાની અફવા અંગે પોલીસે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.