Kutch: અંજારમાં પુરપાટ આવતી ક્રેટા કારે બાઈકને ઉલાળ્યું, હવામાં ફંગોળાયેલા માતા-પુત્રનું મોત; બાળકીની હાલત નાજુક

ટપ્પર ગામના મહેશગિરી માતા સાવિત્રીબેન ગોસ્વામીને લઈને બાઈક પર અંજારથી આવી રહ્યા હતા, ત્યારે કાળ બનીને ધસી આવેલી કારે પાછળથી તેમના બાઈકને ટક્કર મારી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Jun 2025 08:27 PM (IST)Updated: Thu, 05 Jun 2025 08:27 PM (IST)
kutch-news-mother-and-son-died-in-hit-and-run-accident-at-anjar
HIGHLIGHTS
  • અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર કાર મૂકીને ભાગી છૂટ્યો

Kutch: કચ્છ જિલ્લાના અંજાર-સતાપર માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ જતી ક્રેટા કારે બાઈકને ટક્કર મારતા નીચે ફંગોળાયેલા માતા અને પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. જ્યારે એક બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કચ્છ જિલ્લાના ટપ્પર ગામના શરદગિરી મહેશગિરી ગોસ્વામી (30) પોતાની માતા સાવિત્રીબેન ગોસ્વામી (55) અને એક નાની બાળકી સાથે બાઈક પર અંજારથી ટપ્પર તરફ જઈ રહ્યાં હતા. જેવું તેમનું બાઈક અંજાર-સતાપર વચ્ચે આવેલ માધવવિલા સોસાયટી નજીક પહોંચ્યુ, ત્યારે પાછળથી પુરપાટ આવતી ક્રેટા કારે તેમના બાઈકને ટક્કર મારી હતી.

કારની ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક પર સવાર ત્રણેય જણાં ફૂટબોલની માફક ફંગોળાઈને નીચે પટકાયા હતા. જેમાં મહેશગિરી અને સાવિત્રીબેનને ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.

બીજી તરફ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી. બાળકીને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી તેને વધુ સઘન સારવાર અર્થે ભૂજની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

બીજી તરફ આ બનાવની જાણ થતાં અંજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેણે પંચનામું કરીને બન્ને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ પોતાની કાર ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગયેલા ચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.