Surat: શહેરના હોડી બંગલા પાસે એક બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ ધારાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ મનપાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે બંને સાઇડનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
ફાયર ઓફિસરએ જણાવ્યું હતું, કોલ મળતા કતારગામ, મુગલીસરા અને ઘાંચી શેરીથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી હતી. અહીં ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ એક માણસ દબાયો હતો. જેમને સ્થાનિકોએ બહાર કાઢી સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. આ બિલ્ડિંગ 35 થી 40 વર્ષ જૂનું હોવાનું લાગી રહ્યું છે.
લાલગેટ પીઆઇએ જણાવ્યું કે, અહીં બિલ્ડિંગનો પહેલા માળનો સ્લેબનો ભાગ ધારાશાયી થયો હતો. લાલગેટ પોલીસ અને મનપાની ટીમ અહીં પહોંચી હતી અહીં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોય તેને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. નીચે કોમર્શિયલ હોય ઉપરની હાલ સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા હાલ બંને બાજુ બેરેકેટિંગ કરીને બંધ કરવામાં આવ્યો છે. પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમથી પબ્લિકને દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
જ્યારે સ્થાનિક અમીનભાઈએ જણાવ્યું કે, સવારે 11 વાગ્યે આ ઘટના બની હતી. અમે ગલીમાં હતા અને જોરદાર અવાજ આવ્યો હતો. જેથી અમે અહીં તાત્કાલિક આવ્યા હતા અને 3 થી 4 લોકોને અંદરથી કાઢ્યા હતા, જેમાં એક છોકરો પણ હતો. તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા અને ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી.
