Kutch: કચ્છના સફેદ રણમાં ચાલી રહેલા શુટિંગ દરમિયાન જાણીતા ગુજરાતી લોકગાયક ઉમેશ બારોટની તબિયત બગડી હોવાની માહિતી સામે આવી છે. જેથી તાત્કાલિક ઉમેશ બારોટને ભુજની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 'ગોરી તમે મનડા લીધા મોહી રાજ…' ગીતથી લોકપ્રિય થનારા જાણીતા ગુજરાતી લોકગાયક ઉમેશ બારોટ કચ્છના સફેદ રણ ખાતે શુટિંગ કરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ઉમેશ બારોટને તાવ આવ્યો હતો. જે બાદ ઉમેશ બારોટની તબિયત વધારે લથડતા મોડી રાત્રે તેઓને ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
જણાવી દઈએ કે, આજથી બે દિવસ અગાઉ બીજા એક લોકડાયરાના કલાકાર માયાભાઈ આહિર પણ કડી જિલ્લાના ઝૂલાસણ ખાતે ડાયરો કરવા આવ્યા હતા. જ્યાં અચાનક માયાભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
માયાભાઈનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, મારી જિંદગીમાં પહેલીવાર આવી તબિયત બગડી છે. તમામ વડીલોની હું માફી માંગુ છું. આઈ એમ વેરી-વેરી સૉરી…
બીજા દિવસે માયાભાઈનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ હોસ્પિટલના બેડ પર જોવા મળી રહ્યા છે. જ્યાં નળીમાં બ્લોકેજ હોવાથી મોડી રાતે માયાભાઈને એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યું હતું. હોસ્પિટલના બેડ પરથી માયાભાઈ પોતાના ચાહકોને કહી રહ્યા છે કે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી…જય સિયારામ..
