Kutch Illegal Mining News: કચ્છ જિલ્લામાં બેફામ થઈ રહેલી ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં ફ્લાઇંગ સ્ક્વોર્ડની ટીમ દ્વારા લખપત તાલુકાના માતાના મઢ ગામના સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં 7 વાહનો સહિત રૂ. 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
માટી અને બેન્ટોનાઇટનું થતું ખનન
આ પણ વાંચો
આ દરોડા દરમિયાન ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી મોટી ચોરીનો પર્દાફાશ થયો છે. ફ્લાઇંગ સ્ક્વોર્ડની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ વિસ્તારમાં સાદી માટી અને બેન્ટોનાઇટ ખનિજનું ગેરકાયદેસર રીતે ખનન અને વહન કરવામાં આવી રહ્યું હતું. તપાસ ટીમે સ્થળ પરથી ચાર ડમ્પર, બે એસ્કેવેટર મશીન અને એક JCB કંપનીનું લોડર ઝડપી પાડ્યું હતું.
વાહનો સીઝ કરી કસ્ટડીમાં સોંપાયા
તપાસ ટીમ દ્વારા કડક પગલાં લેતા બંને એસ્કેવેટર મશીનો અને લોડરને ઘટનાસ્થળે જ સીઝ કરી દેવામાં આવ્યા છે. વધુમાં, આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને કોટડા ગ્રામ પંચાયતની કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. જ્યારે ગેરકાયદેસર વહન કરતા ચારેય ડમ્પરોને સીઝ કરીને વધુ કાર્યવાહી માટે દયાપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Kutch: સિંધોડી દરિયાકાંઠે ડ્રોનનો કાટમાળ મળ્યો, 10 ફૂટની પાંખ મળી; સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોતરાઈ
રૂ. 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
જિલ્લા વહીવટી તંત્રની આ મોટી કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનીજ ચોરીના આ મામલે સંબંધિત વિભાગ દ્વારા આગળની કાયદેસરની તજવીજ અને દંડાત્મક કાર્યવાહી સઘન રીતે હાથ ધરવામાં આવી છે.
