Bilimora Illegal Sand Mining: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા હેઠળ બીલીમોરામાં સ્મશાનભૂમિ પાછળ અંબિકા નદીના પટમાંથી કોઈપણ પરવાનગી વગર ચાલતા ગેરકાયદે રેતી ખનનનો ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગે પર્દાફાશ કર્યો છે. ડ્રોન કેમેરાની મદદથી ચોક્કસ લોકેશન શોધીને રેડ પાડતા રૂ. 2.25 કરોડનો મુદ્દામાલ સીઝ કરી 11 ટ્રક અને 2 યાંત્રિક બાર્જ કબજે કરવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ખનન માફિયાઓ ભાગી છૂટ્યા હતા.
ડ્રોન સર્વેલન્સ બાદ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી
નવસારી જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા નદીના વિસ્તારોમાં માફિયાઓ દ્વારા છૂપી રીતે થતા રેતી ખનનને પકડવા આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રોન સર્વેલન્સમાં ચોક્કસ લોકેશન ટ્રેસ થયા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. 30 સપ્ટેમ્બરના રોજ બીલીમોરા સ્મશાનભૂમિ પાછળથી વહેતી અંબિકા નદીના પટમાં તપાસ દરમિયાન મંજૂરી વિના આશરે 100 મેટ્રિક ટન રેતીની ચોરી થવાનું ખુલ્લું પડ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા સ્થળ પરથી 2 યાંત્રિક બાર્જ અને 11 જેટલા ટ્રક સહિત આશરે રૂ. 2.25 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર દિવ્યાંક રતીભાઈ શિરોયા દ્વારા બીલીમોરા તથા ધોલાઈ મરીન પોલીસ મથકે ટ્રક અને યાંત્રિક બાર્જના ઓપરેટરો સામે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પર્યાવરણ, જળચર જીવો અને ભૂગર્ભ જળસ્તર પર ખતરો
પોલીસે આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા 2023 અને માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંબિકા નદીના તળિયેથી મિકેનિકલ બાર્જ વડે આડેધડ કરવામાં આવતા ઉત્ખનનથી જળચર જીવોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર અનિયંત્રિત રેતી ચોરીને લીધે નદીના કુદરતી પ્રવાહની દિશા બદલાઈ શકે છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પૂરની શક્યતા અને જોખમ વધી જાય છે. આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઝડપથી નીચે જવાની ગંભીર ભીતિ સર્જાઈ છે.
અંબિકા નદીનો પટ ખનન માફિયાઓ માટે 'સોનાની ખાણ'
બીલીમોરાની અંબિકા નદી ખનન માફિયાઓ માટે વર્ષોથી સોનાની ખાણ સમાન બની ગઈ છે અને અગાઉ પણ તંત્ર દ્વારા અહીંથી કરોડો રૂપિયાનું ખનન નેટવર્ક પકડાયું છે.
માર્ચ 2026 ની કાર્યવાહી: માર્ચ 2026 માં ખાણ-ખનીજ વિભાગે અંબિકા નદીના પટમાં દરોડો પાડીને રૂ. 25 લાખની કિંમતની બોટ અને 2 મશીનરી જપ્ત કરી હતી.
4 બાર્જ સીઝ અને દંડ: ભૂતકાળમાં પણ તંત્રએ નદીમાં ચાલતા 4 સક્શન બાર્જ પકડીને ભારે દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરતા બોટ માલિકો સામે રિકવરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
