Kutch: 14 વર્ષીય સગીરા પર પાંચ મહિનામાં ત્રણ વાર દુષ્કર્મ આચર્યું; પાંચ નરાધમોએ બ્લેકમેઈલ કરી પીંખી નાખી

ઘટનાની વિગતો મુજબ, ગત મે મહિનામાં એક સગીર આરોપીએ ભોગ બનનાર છાત્રાને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગામના મંદિર પાસે બોલાવી હતી

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 24 Dec 2025 08:19 AM (IST)Updated: Wed 24 Dec 2025 08:19 AM (IST)
14-year-old-girl-raped-three-times-in-five-months-in-kutch-blackmailed-by-five-men-660957

Kutch News: કચ્છ જિલ્લાના માનકુવા પોલીસ મથક હેઠળના એક ગામમાં 14 વર્ષીય સગીરા પર થયેલા સામૂહિક અત્યાચારની કમકમાટીભરી ઘટના સામે આવી છે. ગત મે મહિનાથી શરૂ થયેલા આ સિલસિલામાં પાંચ નરાધમોએ સગીરાને વારાફરતી બ્લેકમેઈલ કરી, છરીની અણીએ ધમકાવી ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાઈને મારી નાખવાની ધમકી આપી શરૂ થયો અત્યાચાર

ઘટનાની વિગતો મુજબ, ગત મે મહિનામાં એક સગીર આરોપીએ ભોગ બનનાર છાત્રાને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગામના મંદિર પાસે બોલાવી હતી. સગીરા ડરના માર્યા ત્યાં પહોંચી ત્યારે આરોપીએ છરી બતાવી તેનું અપહરણ કર્યું અને મંદિર નજીક આવેલા ઓટલા પર તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાના સાત દિવસ બાદ, બીજા આરોપી સરફરાજ ખલીફાએ તે જ જગ્યાએ સગીરાને બોલાવી ફરી દુષ્કર્મ આચર્યું હતું. અત્યાચારનો આ સિલસિલો અહીં જ ન અટક્યો, દિવાળી વેકેશન દરમિયાન જ્યારે છાત્રા ઘરે આવી ત્યારે ત્રીજા (સગીર) આરોપીએ પણ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

હોસ્ટેલમાં ગુમસુમ રહેતી દીકરીએ વર્ણવી આપવીતી

દુષ્કર્મ આચરનારા ત્રણ નરાધમો સિવાય અન્ય બે આરોપીઓ, ઈજાજ ત્રાયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરે સગીરાનો અવારનવાર પીછો કરી શરીર સંબંધ બાંધવાની માંગણી કરી છેડતી શરૂ કરી હતી. સતત પાંચ નરાધમોના શોષણ અને માનસિક ત્રાસને કારણે હોસ્ટેલમાં રહેતી સગીરા ગુમસુમ રહેવા લાગી હતી. હોસ્ટેલના શિક્ષકે આ બાબતે સગીરાની માતાને જાણ કરતા, માતાએ દીકરીને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરી હતી, જેમાં સમગ્ર પાશવી ઘટના બહાર આવી હતી.

પોલીસની કાર્યવાહી અને ધરપકડ

ભોગ બનનારની માતાએ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો (POCSO) એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસનીસ અધિકારી પીઆઈ એસ.એમ. રાણાએ જણાવ્યું કે, આરોપી સરફરાજ ખલીફા અને ઈજાજ ત્રાયાની અટકાયત કરવામાં આવી છે. બે સગીર આરોપીઓ સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી ચાલી રહી છે. એક આરોપી હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

5 આરોપીઓ દ્વારા 5 મહિના સુધી આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધે સમગ્ર પંથકમાં રોષ અને અરેરાટી ફેલાવી દીધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ પાંચેય આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું ઘડીને સગીરાને શિકાર બનાવી હતી કે કેમ?