અકસ્માત કે આપઘાત? ટ્રક પાછળ કાર અથડાયા બાદ ગાંધીધામના વેપારીનું મોત, એક વીડિયોથી ઘેરાયુ રહસ્ય

કુકમા-શોપપીર બાયપાસ પાસે તેમની કાર રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતની આ ઘટનામાં તેમને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 16 Dec 2025 04:57 PM (IST)Updated: Tue, 16 Dec 2025 04:57 PM (IST)
bhuj-news-accident-or-suicide-gandhidham-businessman-dies-after-car-hits-truck-in-bhuj

Bhuj News: કચ્છના ભુજ તાલુકાના કુકમા અને સપડા વચ્ચે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ગાંધીધામના વેપારીનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માતની આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. વેપારીના મોત બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જેમાં તેઓ હું આત્મહત્યા કરવા જાઉં છું… મને ન્યાય અપાવજો કહેતા સંભળાય છે. વીડિયો વાયરલ થયા બાદ આ ઘટના અકસ્માત છે કે પછી આપઘાત તેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગઇકાલે 15 ડિસેમ્બરના રોજ નરેશભાઈ ચંદાણી તેમની કાર લઈને ભુજથી ગાંધીધામ તરફ જઇ રહ્યા હતા. જે દરમિયાન આ દરમિયાન કુકમા-શોપપીર બાયપાસ પાસે તેમની કાર રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે અથડાઇ હતી. અકસ્માતની આ ઘટનામાં તેમને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પદ્ધર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એક વીડિયોએ સમગ્ર કચ્છ જિલ્લામાં ચર્ચા જગાવી

આ બનાવ બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરતો થયો છે. જેણે સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં મૃતક નરેશભાઈ ચંદાણી અત્યંત વ્યથિત અને હતાશ અવસ્થામાં કેટલાક વ્યક્તિઓના નામ જોગ ઉલ્લેખ કરીને ગંભીર આક્ષેપો કરતા જોવા મળે છે. તેઓ સ્પષ્ટપણે જણાવે છે કે, અમુક લોકો દ્વારા તેમને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડીને ત્રાસ આપવામાં આવ્યો છે, જેના કારણે તેઓ ‘આત્મહત્યા કરવા જઈ રહ્યા છે અને તેમને ન્યાય અપાવવામાં આવે.’ જોકે, આ વીડિયો ક્યારનો છે તે અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.

વીડિયોમાં તેમની સાથે દગો થયો હોવાનું જણાવ્યું

જે વીડિયો વાયરલ થયો છે તેમાં નરેશ ચંદાણી કહી રહ્યાં છેકે, તેમણે 2009માં માણેક ચેલાણી અને તેના ભાઇ અશોક ચેલાણી પાસેથી ચાવલા ચોકમાં દુકાન ખરીદી હતી. જેમાં માણેકે 65 લાખ અને અશોકે 22 લાખ લીધા હતા. જોકે તેમણે ઓનરશિપ આપી ન હતી. બાદમાં ભાડા કરાર કરી આપીએ છીએ તેમ કહ્યું હતું. બે વર્ષ સુધી રખડાવ્યા બાદ તેમને ખબર પડી હતી કે આ મિલકત કંચન રાયના નામે છે. કંચન રાય નામે ફરજું બનાવી આપ્યું હતું. કંચન રાયે પણ પાંચ લાખ લીધા હતા. આ મામલે પોલીસ ફરિયાદ કરવા તેઓ ગયા પરંતુ કોઇ દાદ આપતું નથી. તેમજ માણેક ચલાણીના દીકરા બંટી ચલાણીએ તેમના પુત્રને ઉપાડી લેવાની ધમકી આપી હતી.

વીડિયો તેઓ વધુમાં કહી રહ્યાં છેકે, ફેકટરી નાખવા માટે મનીષ ઠક્કર અને રમેશ ગઢવી પાસેથી પ્લોટ ભાડે લીધો હતો. અને બે વર્ષમાં પ્લોટ ખરીદવાની શરત મુકી હતી. જોકે એ દરમિયાન કોરોના આવી જતાં કામ એક વર્ષ માટે બંધ રહ્યું છતાં ભાડું વસૂલવામાં આવ્યું હતું. એવી શરત મુકાઈ હતી કે તેઓ બન્ને કમ્પિલશન સર્ટિફિકેટ બનાવીને આપશે. કારણ કે જ્યારે પ્લોટ ખરીદવો હશે ત્યારે બેન્કમાંથી મોરગેજ કરીને ખરીદી શકાશે. એ સમયે બન્ને હા પાડી હતી પરંતુ કમ્પિલશન સર્ટિફિકેટ બનાવી આપ્યું ન હતું. ફેકટરીમાં બે કરોડ નાંખી હતી પરંતુ જાણી જોઇને કમ્પિલશન સર્ટિફિકેટ બનાવવામાં મોડું કરતા હતા.

હું આત્મહત્યા કરવા જઇ રહ્યો છું…

તેઓ આગળ જણાવી રહ્યાં છેકે, ગોડાઉન બનાવવા ન દીધું. પ્લોટ ખાલી કરવા દબાણ કરતા હતા. રમેશ ગઢવી દ્વારા માર મારવામાં આવ્યો અને પેટ્રોલ છાંટી ફેક્ટરી સળગાવી દેવાની ધમકી આપી હતી. મનીષ ઠક્કર દ્વારા પણ ફોન પર ધમકીઓ મળી હતી. તેમને અને તેમના પુત્ર પર લેન્ડ ગ્રેબિંગના કેસો કર્યા છે. માણેક ચેલાણી, અશોક ચેલાણી, સંજય રાય, કંચન રાયના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. હું જિંદગીથી કંટાળી ગયો છું. હું આત્મહત્યા કરવા જઇ રહ્યો છું. મહેરબાની કરીને મને ન્યાય અપાવજો, મારા બાળકોને ન્યાય અપાવજો. મને કરોડોનું નુકસાન થયું છે.