Bagdana controversy: બગદાણા આશ્રમના સેવક અને સામાજિક કાર્યકર નવનીત બાલધિયા પર થયેલા હુમલાએ રાજ્યભરમાં વિવાદ સર્જ્યો છે. આ હુમલા બાદ કોળી સમાજે ન્યાય આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. હવે વિવિધ નેતાઓ અને સામાજિક આગેવાનો પણ નવનીતભાઈના સમર્થનમાં આવી રહ્યા છે.
રાજુ સોલંકીએ નવનીત બાલધિયાની મુલાકાત લીધી
ગતરોજ સાંસદ નિમુબેન બાંભણીયાએ નવનીત બાલધિયાની મુલાકાત લીધી હતી. તો હવે આમ આદમી પાર્ટીના નેતા અને કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીએ પણ નવનીતભાઈના સમર્થનમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાજુ સોલંકી પોલીસ પ્રશાસન અને રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. સાથે જ તેમણે ન્યાયની માંગ કરી હતી.
આ પણ વાંચો
પોલીસે ફરિયાદ લેવામાં આનાકાની કર્યાનો આક્ષેપ
રાજુ સોલંકીએ કહ્યું કે, તાજેતરમાં કોળી સમાજના જાગૃત યુવાન અને સામાજિક કાર્યકર નવનીત બાલધિયા પર આઠ જેટલા અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. નવનીતભાઈએ આ અંગે પોલીસ ફરિયાદ કરી, પરંતુ બે-ત્રણ દિવસ સુધી જે તે પોલીસ અધિકારીએ આ મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. સમયસર ફરિયાદ લીધી નહોતી.
જવાબદાર પોલીસ અધિકારી ઉપર ફરિયાદ કરવા માંગ
રાજુ સોલંકીએ વધુમાં કહ્યું કે, રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવની મારી રજૂઆત છે કે આ હુમલામાં જે આરોપીઓ પર ફરિયાદ દાખલ થઈ છે, તેમની સાથે સહયોગીઓ અને જવાબદાર પોલીસ અધિકારીઓ પર ફરિયાદ કરવામાં આવે. મેં નવનીતભાઈની મુલાકાત કરી છે, તેમણે મને કહ્યું કે, માયાભાઈના પુત્ર જયરાજે મારુ લોકેશન પૂછ્યું હતું.
તપાસ માટે SITની રચના કરવા માંગ
રાજુ સોલંકીએ વીડિયોમાં કહ્યું કે, નવનીતભાઈ પર થયેલા જીવલેણ હુમલા મુદ્દે મારે પોલીસ પ્રશાસન, એસપી અને ગૃહ વિભાગને કહેવું છે કે આ ઘટનામાં દૂધનું દૂધ થાય અને પાણીનું પાણી થાય તે માટે તપાસ અર્થે SIT ની રચના કરવામાં આવે. ઉપરાંત આ બનાવમાં જે લોકો સંડોવાયેલા છે તથા જે લોકો પર શંકા છે તેમના કોલ ડિટેલ ચકાસવામાં આવે.
