ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તબીબીની બેદરકારીએ યુવકનો ભોગ લીધો, વેન્ટિલેટર કાઢી લીધા બાદ લગાવવાનું ભૂલી જતાં દર્દીએ દમ તોડ્યો

અકસ્માત બાદ હેમરેજ થતાં યુવક કોમામાં જતાં ICUમાં વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો, જ્યાં જુનિયર ડોક્ટરે વેન્ટિલેટર હટાવી દીધુ હતુ. રાઉન્ડમાં નીકળેલા સીનિયર ડૉક્ટરની નજર પડી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 03 Jun 2026 07:03 PM (IST)Updated: Wed, 03 Jun 2026 07:03 PM (IST)
medical-negligence-at-sir-t-hospital-in-bhavnagar-claimed-the-life-of-a-young-man
HIGHLIGHTS
  • મૃતકના પરિવારજનોના હોસ્પિટલના સ્ટાફ પર સંગીન આક્ષેપથી ખળભળાટ

Bhavnagar: ભાવનગરની જાણીતી સર ટી. હોસ્પિટલમાંથી તબીબી આલમને કલંકિત કરતી અને સરકારી હોસ્પિટલોની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 22 વર્ષીય યુવકના મોત બાદ તેના પરિવારજનોએ હોસ્પિટલના સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે.

પરિવારના જણાવ્યા અનુસાર, ICUમાં ફરજ પર રહેલા એક જુનિયર ડોક્ટરે વેન્ટિલેટર હટાવ્યા બાદ સમયસર પુનઃ ન જોડતાં દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી અને આખરે તેનું મોત નીપજ્યું હતું.

રાજુલા તાલુકાના ડુંગર ગામના રહેવાસી 22 વર્ષીય નીરજભાઈ અનિલભાઈ વ્યાસ ગત તારીખ 28 મેના રોજ એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે મગજમાં હેમરેજ થઈ ગયું હતું.

જેથી ગંભીર હાલતમાં તેમને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દી કોમામાં હોવાના કારણે તેમને આઈસીયુ (ICU) વોર્ડમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને પાંચ દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી.

મૃતક નીરજભાઈના ભાઈ વરુણભાઈ વ્યાસે હોસ્પિટલ પ્રશાસન સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ICUમાં ફરજ પર હાજર એક જુનિયર ડોક્ટરે કોઈ કારણસર નીરજના શરીર પરથી વેન્ટિલેટર હટાવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ તાત્કાલિક તેને પુનઃ જોડવાનું ભૂલી ગયા હતા. આ દરમિયાન અન્ય કોઈ ડોક્ટરે તેમને બોલાવતા, તેઓ તે જગ્યા પરથી ચાલ્યા ગયા હતા.

થોડા સમય બાદ જ્યારે નિયમિત રાઉન્ડ દરમિયાન એક સિનિયર ડોક્ટર ત્યાં પહોંચ્યા, ત્યારે તેમની નજર દર્દી પાસે વેન્ટિલેટર જોડાયેલું ન હોવા પર પડી હતી. સિનિયર ડોક્ટરે આ બાબત જોતા જ હોસ્પિટલ સ્ટાફની આ ઘોર બેદરકારી સામે આવી હતી. કમનસીબે, સમયસર ઓક્સિજન સપોર્ટ ન મળવાને કારણે નીરજે દમ તોડી દીધો હતો. યુવકના મોત બાદ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ પ્રક્રિયામાં પણ ભારે વિલંબ થયો હતો, જેના કારણે શોકાતુર પરિવારને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.