ગુજરાત મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ દેશનું હબ બનશે, મુખ્યમંત્રીનો રાજ્યમાં 'સર્વિસ કમિશનરેટ' સ્થાપવાનો મોટો નિર્ણય

ગુજરાતમાં ઉદ્યોગો માટે જેમ ‘ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ’ કાર્યરત છે, તેમ હવે સેવા ક્ષેત્ર માટે અલાયદું 'સર્વિસ કમિશનરેટ' કાર્યરત થશે: જીતુ વાઘાણી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 03 Jun 2026 05:11 PM (IST)Updated: Wed, 03 Jun 2026 05:11 PM (IST)
gandhinagar-news-cm-bhupedrna-patel-big-decision-to-establish-service-commissionerate-in-the-state
HIGHLIGHTS
  • કમિશનરેટમાં વર્ષ 2026-27 માટે રૂ. 100 કરોડના 'સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ’ની જોગવાઈ
  • સર્વિસ સેક્ટરના IT, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોના MSMEs અને સ્ટાર્ટઅપ્સને વેગ મળશે

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના કરવાનો અને 'સર્વિસ કમિશનર'ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.

આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશનરેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે.

ગુજરાત પરંપરાગત રીતે તેની મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક ક્ષમતા માટે જાણીતું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વધુ સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે.

'GRIT' દ્વારા ગુજરાતમાં સેવા ક્ષેત્રના સુદ્રઢ અને સર્વાંગી વિકાસ માટે સર્વિસ કમિશનરેટની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત હાલમાં સર્વિસ કમિશનરેટની સ્થાપના અને સર્વિસ કમિશનરની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ કમિશનરેટ રાજ્ય અને રાષ્ટ્રીય હિત સાથે સુમેળ સાધીને વિવિધ સર્વિસ ઉદ્યોગોને મજબૂત આધાર પૂરો પાડશે..

વધુમાં મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, પરંપરાગત ઉત્પાદન આધારિત ઉદ્યોગોથી આગળ વધીને ગુજરાતે સર્વિસ સેક્ટર આધારિત આધુનિક વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના પરિણામે આઈટી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોમાં યુવાનો માટે રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી થશે.

આ કમિશનરેટ મુખ્યત્વે રાજ્યના ટુરિઝમ, આઇટી અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનું, નવીન નીતિઓ ઘડવાનું અને સર્વિસ સેક્ટરમાં મોટા પાયે રોકાણો આકર્ષવા માટેનું કેન્દ્રબિંદુ બનશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં મેળવેલી વૈશ્વિક સફળતા બાદ ગુજરાત હવે સર્વિસ ક્ષેત્ર માટે પણ દેશનું મુખ્ય કેન્દ્ર બનશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ ઐતિહાસિક પહેલ અંતર્ગત સર્વિસ કમિશનરેટ હસ્તક વર્ષ 2026-27 માટે રૂ. 100 કરોડના પ્રસ્તાવિત 'સર્વિસ સેક્ટર ગ્રોથ ફંડ'ની રચના કરવામાં આવી છે. આ ગ્રોથ ફંડનો મુખ્ય હેતુ સેવા ક્ષેત્રમાં કાર્યરત MSMEs અને સ્ટાર્ટઅપ્સને ગ્રોથ કેપિટલ સરળતાથી અને સમયસર ઉપલબ્ધ કરાવવાનો છે.