Gujarat Monsoon Update: દેશમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે જતા-જતા મેઘરાજા ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં પોતાનું હેત વરસાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે આજે પણ રાજ્યના 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
4 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદથી મહુવામાં પાણી ભરાયા
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 73 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 105 મી.મી (4.1 ઈંચ) વરસાદ ભાવનગર જિલ્લાના મહુવામાં જ ખાબક્યો છે. બપોરે 4 કલાકમાં જ 4 ઈંચ કરતાં વધુ વરસાદ પડતા મહુવાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદી માહોલ
આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જૂનાગઢ શહેરમાં 56 મી.મી (2.2 ઈંચ), વંથલીમાં 45 મી.મી. (1.7 ઈંચ), કેશોદમાં 43 મી.મી (1.6 ઈંચ), વિસાવદરમાં 21 મી.મી., ભેસાણમાં 5 મી.મી., મેંદરડામાં 2 મી.મી., વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જૂનાગઢ શહેરમાં બપોર પછી એકાએક તૂટી પડેલા સાંબેલાધાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ઝાંઝરડા તરફ જતુ રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો.
7 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ, અમદાવાદમાં તોફાની પવન સાથે અડધો ઈંચ ખાબક્યો
આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 7 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ, તેમજ 5 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જેમાં રાજકોટના ગોંડલમાં 87 મી.મી (3.4 ઈંચ), ગીર સોમનાથના વેરાવળમાં 50 મી.મી (1.9 ઈંચ), અમરેલીના કુકાવાવમાં 44 મી.મી (1.7 ઈંચ), સુરત શહેરમાં 39 મી.મી (1.5 ઈંચ), અમરેલીના જાફરાબાદમાં 35 મી.મી (1.3 ઈંચ) તેમજ રાજકોટના જસદણમાં 31 મી.મી (1.2 ઈંચ) વરસાદ નોંધાયો છે.
જ્યારે અમદાવાદમાં પણ બપોર પછી વાદળો ઘેરાવા લાગ્યા હતા અને 2 થી 6 વાગ્યા સુધીના 4 કલાકના સમયગાળામાં સુસવાટા મારતા પવન સાથે અડધો ઈંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં શહેરના વાડજ, રાણીપ, પ્રહલાદનગર, સરખેજ, સેટેલાઈટ, વસ્ત્રાપુર, પાલડી, ગુરુકુળ, ઓઢવ, સાબરમતી, નરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. એકાએક તૂટી પડેલા એકધારા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે જળભરાવની સમસ્યા સર્જાઈ હતી.
છેલ્લા 2 કલાકમાં 45 તાલુકામાં વરસાદ પડ્યો
સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળામાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી રાજકોટના ગોંડલ તાલુકામાં સૌથી વધુ 76 મી.મી (2.9 ઈંચ) વરસાદ ખાબક્યો હતો. આ સિવાય જૂનાગઢમાં 50 મી.મી (1.9 ઈંચ), ગીર સોમનાથના વેરાવળમાં 50 મી.મી (1.9 ઈંચ) તેમજ પંચમહાલના ગોધરામાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો.
