Bhavnagar: સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નયના બારૈયાએ કર્યો આપઘાતનો પ્રયાસ, વીડિયો બનાવી DySP રીમા વિરૂદ્ધ કર્યા ગંભીર આક્ષેપ

સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા વિરુદ્ધ હાલમાં જ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, વાંચો સમગ્ર માહિતી...

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Feb 2026 12:50 PM (IST)Updated: Wed, 11 Feb 2026 12:50 PM (IST)
bhavnagar-suspended-constable-naina-baraiya-attempted-suicide-allegations-against-dysp-reema
HIGHLIGHTS
  • સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આત્મહત્યાનો પ્રયાસ
  • દવા પીતા પહેલા વીડિયો બનાવી DySP પર લગાવ્યા ગંભીર આરોપ
  • નયના બારૈયા વિરુદ્ધ હાલમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

Naina Baraiya suicide attempt: ભાવનગરની ચર્ચિત અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ ગઈકાલે બોટાદના સાળંગપુર રોડ પર આવેલ એક ગેસ્ટહાઉસમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે, સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા વિરુદ્ધ હાલમાં જ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલનો ચર્ચાસ્પદ કેસ

આરોપીને આશરો આપવાના કેસમાં જામીન પર મુક્ત થયાના ગણતરીના કલાકોમાં જ નયના બારૈયા વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાઈ હતી. નયના બારૈયા પર તેના પ્રેમીની પત્નીએ દોઢ વર્ષ જૂના પ્રેમ પ્રકરણ મામલે એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરીયાદ નોંધાવી હતી.

નયના બારૈયાએ કર્યો આપઘાતનો પ્રયાસ

આ નવી ફરિયાદથી માનસિક રીતે ભાંગી પડેલી નયના બારૈયાએ બોટાદના ગેસ્ટહાઉસમાં અંતિમ પગલું ભર્યું હતું. હાલમાં નયના બારૈયાને ગંભીર હાલતમાં બોટાદની હરિઓમ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમની સ્થિતિ નાજુક છે.

વીડિયો બનાવી DySP પર લગાવ્યા ગંભીર આરોપ

બોટાદના એક ગેસ્ટહાઉસમાં આપઘાત કરતા પૂર્વે નયના બારૈયાએ એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જેમાં તેણે DySP રીમા ઝાલા પર ગંભીર આક્ષેપો કર્યા છે.

નયના બારૈયાએ વીડિયોમાં જણાવ્યું કે, છેલ્લા 3 મહિનાથી તેનું 9 વર્ષનું બાળક શાળાએ જઈ શક્યું નથી, અને તેને પોતાના બાળકને મળવા પણ દેવામાં આવતી નથી. સતત ટોર્ચર અને અન્યાયથી કંટાળીને તે આ અંતિમ પગલું ભરી રહી છે.

વાયરલ વીડિયોમાં નયના બારૈયાએ રડતા-રડતા પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "DySP રીમા ઝાલાએ મારા પર એક પછી એક પાંચ ખોટા ગુના નોંધીને મારું હસતું-રમતું ઘર વેરવિખેર કરી નાખ્યું છે. ધરપકડ દરમિયાન કોઈ પણ મહિલા પોલીસ હાજર નહોતી, જે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. મને 350 કિમી સુધી ગાડીમાં ફેરવી પણ માનવતા નેવે મૂકીને વોશરૂમ જવા જેવી પાયાની જરૂરિયાત પણ સંતોષવા દીધી નહોતી."