Suspended constable Nayana: થોડા સમય પહેલા આરોપીને આશરો આપવા માટે ચર્ચામાં આવેલી ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ વખતે તેના પર ગાળો આપવી, જાતિ અંગે અપમાનજનક શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે, તે પણ એક પ્રેમ પ્રકરણ સંબંધિત વિવાદમાં.
નયના બારૈયા સામે વધુ એક પોલીસ ફરિયાદ
આ અંગે દાઠા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાંથી મળતી માહિતી મુજબ, તળાજા તાલુકાના બોરડા ગામના મૂળ વતની અને હાલ સુરતમાં રહેતા એક યુવકની પત્નીએ નયના બારૈયા વિરુદ્ધ 9 ફેબ્રુઆરીના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો ફરિયાદીના પતિ સાથે પ્રેમ સંબંધ હતો.
પરિણીત યુવક સાથે હતો પ્રેમ સંબંધ
ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ અગાઉ તેઓ પોતાના પતિ અને બાળકો સાથે બોરડા ગામે રહેતા હતા. તે દરમિયાન તેમના પતિને સિહોર તાલુકાના દેવગાણા ગામની મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી. મહિલાએ નયના બારૈયાને ફોન તથા મેસેજ કરી પતિ રાજુ ભમ્મર સાથેના સંબંધ તોડવા જણાવ્યું હતું.
મહિલાના પતિને મારી નાખવાની આપી ધમકી
આ બાબતે નયના બારૈયાએ પ્રેમીની પત્નીને વોટ્સએપ પર ગાળો આપી હતી. વધુમાં, ઓગસ્ટ 2025 દરમિયાન ફરિયાદીના પતિ સુરતમાં તેમની સાથે રહેવા લાગતા નયના બારૈયા ગુસ્સે ભરાઈ હતી. ત્યારબાદ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા ટેક્સ મેસેજ દ્વારા ગાળો આપી તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
"હાલ નયના બારૈયાને નોટિસ આપી હાજર થવા જાણ કરવામાં આવી છે." -- દાઠા પોલીસ સ્ટેશન
ફરિયાદી મહિલાએ રજૂ કર્યા પુરાવા
ફરિયાદી મહિલાએ આ તમામ ધમકીભર્યા મેસેજના સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડ પેનડ્રાઈવમાં સંગ્રહ કરી પુરાવા તરીકે રાખ્યા હતા. જેને બાદમાં પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા હતા. જે મોબાઇલ મેસેજ આવ્યા હતા, તે મોબાઈલ હાલ સુરતમાં તેમના ઘરે હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બોરડામાં જીગ્નેશ કવિરાજ સાથે માયાભાઈ આહીર મન મૂકીને ઝૂમ્યા, પુત્ર જયરાજ સાથે રમઝટ બોલાવી
નયના બારૈયાને હાજર થવા નોટિસ
મહિલાની ફરિયાદના આધારે દાઠા પોલીસે સિહોર તાલુકાના દેવગાણા ગામની નયના બારૈયા સામે BNS 351(3), 351(4), 352 કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. વધુમાં ધોરણસર કાર્યવાહી હાથ ધરી નયના બારૈયાને નોટિસ આપી હાજર થવા જાણ કરવામાં આવી છે.
આરોપીને આશરો આપવાના મામલો
આપને જણાવી દઈએ કે, થોડા સમય પૂર્વે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ મથકે ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાની આરોપીને આશરો આપવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને સસ્પેન્ડ પર કરવામાં આવી હતી. આરોપી હાલ જામીન પર બહાર છે.
