Bhavnagar: ભાવનગરમાં કાયદાથી અજાણ ભોળા ખેત મજૂરના નામે કરોડોની ટેક્સ ચોરીનો ભાંડાફોડ, આવકવેરા વિભાગ એક્શનમાં

આર્થિક ભીંસમાં રહેલા લોકોને લોન અપાવવાનું કહીને ચેકબુકમાં સહીઓ કરાવી. પોતાને સમાજ સેવક ગણાવતી ટોળકીએ કાળા કારોબાર થકી કરોડો રૂપિયા ઘરભેગા કર્યાં.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Jul 2025 05:41 PM (IST)Updated: Wed, 02 Jul 2025 05:41 PM (IST)
bhavnagar-news-rs-37-crore-tax-evasion-worth-exposed
HIGHLIGHTS
  • આધારકાર્ડ અને પાન કાર્ડની નકલ મેળવી બારોબાર બેંક ખાતા ખોલી નાંખ્યા
  • રત્ન કલાકાર સહિત 3ને રૂ. 37 કરોડના બેંક વ્યવહારોની નોટિસ મળતાં કૌભાંડ ખુલ્યું

Bhavnagar: ભાવનગર જિલ્લા માં ટેક્સ ચોરી નો કાળો કારોબાર ખૂબ મોટો ચાલી રહ્યો છે. આ કાળા કારોબારમાં તળાજાના અનેક લોકો સામેલ છે. તળાજા પંથકના કાયદા અને અક્ષર જ્ઞાનથી અજાણ સાથે જેને રૂપિયાની જરૂર હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવી તેના નામે ખાતા ખોલાવી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરી રહ્યા છે.

આ મામલે ભાવનગર ના ઈન્કમ ટેક્સ વિભાગ સક્રિય થયું છે.જેને લઈ તળાજા પંથકના અંતરિયાળ ગામડાના આર્થિક રીતે પછાત કહી શકાય તેવા વ્યક્તિઓને નોટીસ મળતા ખળભળાટ મચી ગયો છે.જેને નોટીસ મળી છે, તેનો દાવો છે કે મને અગાઉ નોટીસ મળી તે સમયે તળાજા ના કોણ કોણ ઈસમોએ પોતાને સંડોવ્યો હતો તે તમામના નામો આપી દીધા છે, ત્યારે હવે તંત્ર કેવી કડક કાર્યવાહી કરે તેનીપર સૌ કોઈની મીટ મંડાઈ છે.

તળાજા પંથકના એક ખેત મજૂર સહિત ત્રણને ભાવનગર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોકલાયેલ રૂ.7 કરોડ 42 લાખના ટ્રાન્જેક્શનની નોટીસમાં ત્રણેય વ્યક્તિ અંતરિયાળ ગામડાના રહેવાસી છે.તેમાંના એક વ્યક્તિ એ જણાવ્યું હતુ કે, પોતાને રૂ.25 કરોડ, 25 લાખની રકમ નું ટ્રાન્જેક્શન ફેબ્રુઆરી 20-21 અને 21-22 ના સમય ગાળા દરમિયાન અલગ અલગ બેંકોના માધ્યમથી કરવામાં આવેલ હોવાની નોટીસ મળી છે. આ યુવકે જણાવ્યું હતુ કે, પોતાના ગામના જ અન્ય એક વ્યક્તિ ને રૂ.12 કરોડ ની નોટીસ મળી છે.બંનેની થઈ રૂ.37 કરોડના ટ્રાન્જેક્શનની નોટીસ મળી છે.

યુવકનો દાવો છેકે પોતાની સાથે છેતરપિંડી કરવામા આવી છે, પોતે રત્ન કલાકાર છે. આર્થિક ભીંસમાં હોય તળાજાના એક ભેજાબાજને જાણ થતાં બેંક લોન અપાવવાની મદદ કરવાનું કહી ને આધારકાર્ડ, પાન કાર્ડ અને ફોટા લીધા હતા.જે બાદ અલગ અલગ બેંકોમાં પોતાના ખાતા ખોલાવ્યાં હતા અને ચેક બુકમાં સહી લેવડાવી હતી. યુવકને માત્ર સહી કરતા આવડે છે. તેમને અક્ષરજ્ઞાન ઓછું છે.

વધુમાં તેણે ઉમેર્યું કે, આખીય ચેનલ છે. તળાજાની ટોળકી આ ચેનલ ચલાવે છે.અગાઉ મળેલ નોટીસના પગલે જ્યારે નિવેદન આપ્યું તે સમયે પોતાને કઈ રીતે જાળમા ફસાવવામાં આવ્યો અને તેની પાછળ તળાજાના કોણ કોણ વ્યક્તિ છે તે તમામના નામ સાથે નિવેદન નોંધાવ્યું છે. નોટીસ મામલે ફોન કરું તો હવે મારો ફોન એ લોકો રિસીવ કરતા નથી. સમાજ સેવક ગણાવતા લોકો એ આ કાળા કારોબાર થકી કરોડો રૂપિયા બનાવ્યા છે.