Bhavnagar News: ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં પ્રેમલગ્ન કરનાર મહિલા તબીબે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જો કે મૃતકના પરિવારજનોએ દીકરીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરતાં પોલીસે તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ડૉ. ઋત્વી પરમાર નામના મહિલા તબીબે ગારીયાધાર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી. આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી.
આ પણ વાંચો
પ્રાથમિક તપાસમાં મૃતક ડૉ. ઋત્વી પરમારે આજથી દોઢેક વર્ષ પૂર્વે ગારીયાધારના ડૉ. પૃથ્વી પરમાર સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. દીકરીના મોતના સમાચાર સાંભળીને તેના પરિવારજનો પણ તાત્કાલિક ગારીયાધાર દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોએ દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે.
હાલ તો પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જેના રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. જે બાદ પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે તેમ જાણવા મળ્યુ છે.
