Gujarat Police Recruitment 2026: ગુજરાતમાં પોલીસ વિભાગની કામગીરી સુચારું અને ઝડપી બનાવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે સરકારના ગૃહ વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પોલીસ વિભાગના મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગ માટે ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ (આર્મ્ડ) વર્ગ-3ની કુલ 500 જગ્યાઓને મંજૂર કરવામાં આવી છે.
ગુજરાત સરકારના નિર્ણયથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સરકારી ભરતીના દ્વાર ખુલશે. આ સાથે જ આ જગ્યાઓ નિયમિત પગાર ધોરણ ધરાવતી હોવાથી રોજગારીની ગુણવત્તામાં પણ વધારો થશે.
હકીકતમાં આજથી એક વર્ષ પહેલા રાજ્યના પોલીસ વડા દ્વારા મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગ માટે ડ્રાઈવર કોન્સ્ટેબલ વર્ગ-3માં 500 જગ્યાઓ પર ભરતી માટે ગૃહ વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્તને આખરે સત્તાવાર વહીવટી બહાલી આપવામાં આવી છે. આ 500 જગ્યાઓ માટે સરકાર દ્વારા રૂ.31.16 કરોડથી વધુની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે.
ગૃહ વિભાગના આ આદેશથી પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગની કાર્યક્ષમતામાં સીધો સુધારો જોવા મળશે. અત્યાર સુધી ડ્રાઈવરોની અછતને કારણે વાહન વ્યવહાર અને પેટ્રોલિંગમાં જે પડકારો ઉભા થતા હતા, તે હવે 500 નિષ્ણાંત ડ્રાઈવરોની ભરતીથી દૂર થશે.
ખાસ કરીને આર્મ્ડ કોન્સ્ટેબલરી કેડરમાં ડ્રાઈવરોની આ ભરતી પોલીસ દળની 'મોબિલિટી' એટલે કે ગતિશીલતાને વેગ આપશે, જે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
