Gujarat Weather Forecast: ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં અપેક્ષા પ્રમાણે વરસાદ નથી વરસી રહ્યો. અલ નીનોની અસર વચ્ચે એક તરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની ભારે ઘટ વર્તાઈ રહી છે.
એમાં પણ ઓગસ્ટ મહિનામાં વરસાદે હાથતાળી આપતા પાક નુકસાનીના ભયે ખેડૂતોના જીવ પડિકે બંધાયા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદના વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે અલ નીનોની સ્થિતિના કારણે વારંવાર વરસાદી સિસ્ટમો ગુજરાતની લગોલગ પહોંચીને ફંટાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લે 4 ઓગસ્ટના રોજ વરસાદ નોંધાયો હતો. જે બાદ મેઘરાજાએ સતત વિરામ લીધો છે. ચોમાસાના લાંબા વિરામના કારણે ખરીફ પાકો પર મોટું સંકટ તોળાઈ રહ્યો છે.
હાલમાં પણ વરસાદની વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. જો કે આ વરસાદી સિસ્ટમ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો લાભ આપે તેવી શક્યતા નથી. આ સિસ્ટમ પણ અગાઉની સિસ્ટમોની માફક ગુજરાતની એકદમ નજીક આવી ફંટાઈ જાય તેવા પુરા સંકેતો મળી રહ્યા છે.
પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને વરસાદ માટે રાહ જોવી પડશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, બંગાળની ખાડીની આ સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે. જેમાં આગામી 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓ તેમજ મધ્ય ગુજરાતના ભાગોને જ વરસાદનો લાભ મળી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં માત્ર હળવા છૂટાછવાયા ઝાપટા જ પડશે.
આ ઉપરાંત વરસાદની ઘટ ધરાવતા પશ્ચિમ સૌરાષ્ટ્ર (જેમાં રાજકોટથી દ્વારકા સુધીનો પટ્ટો), કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ અને મહેસાણા જિલ્લાને સારા વરસાદ માટે હજુ વધુ રાહ જોવી પડશે.
