Gujarat Rain Update: જુલાઈના અંતમાં મેઘરાજાએ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી હતી, પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદે વિરામ લીધો હોય તેમ છૂટાછવાયા ભાગોમાં સામાન્ય છાંટા સિવાય મોટાભાગે રાજ્ય કોરું ધાકોર રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં પણ ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે લાંબા મોન્સૂન બ્રેક બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘમહેર નોંધાઈ છે.
25 તાલુકામાં હળવા ઝાપટા, ઉમરપાડામાં 15 મિ.મી વરસાદ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 25 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 15 મિ.મી. વરસાદનું ઝાપટું વરસ્યું છે.
આ સિવાય માંડવીમાં 5 મિ.મી., નર્મદાના સાગબારામાં 4 મિ.મી., અમરેલીના રાજુલામાં 3 મિ.મી., સુરત શહેરમાં 3 મિ.મી, નવસારીના જલાલપોર અને વાંસદામાં 3-3 મિ.મીના છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે. ખાસ વાત એ છે કે, બપોરે 12 વાગ્યા પછી એકાએક વરસાદનું જોર ઘટી ગયું છે.
આજે 10 તાલુકામાં છૂટાછવાયા ઝાપટાના સંકેત
હવામાન વિભાગના લેટેસ્ટ નાઉકાસ્ટ મુજબ, આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાનું છે. જો કે આવનારા 3 કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ અને જામનગર જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે છે.
