Amreli Payal Goti Letter Case: અમરેલી લેટરકાંડનો ભોગ બનેલી પીડિત પાયલ ગોટી નામની યુવતીની તરફેણમાં મહત્ત્વનો ચુકાદો આવ્યો છે. જેમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા પીડિત યુવતીને સાડા સાત લાખ વળતર ચૂકવવા માટે રાજ્ય સરકારને આદેશ કરવામાં આવ્યો છે.
કૌશિક વેકરિયાને બદનામ કરતો પત્ર ફરતો થયો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજથી બે વર્ષ પૂર્વે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની છબી ખરડાય તેવો એક પત્ર વાયરલ થયો હતો. આ મામલે પોલીસ દ્વારા પત્ર ટાઈપ કરનાર પાટીદાર યુવતી પાયલ ગોટી સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આટલું જ નહીં, પોલીસ દ્વારા પાયલ ગોટીને આરોપી બનાવીને રિ-કન્સ્ટ્રક્શનના નામે રીઢા ગુનેગારની માફક તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતુ.
પાટીદાર સમાજમાં આક્રોશ, જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી
માત્ર પત્ર ટાઈપ કરનાર પાયલનું રીઢા ગુનેગારની જેમ વરઘોડો કાઢતા પાટીદાર સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. કોંગ્રેસ પણ પાયલ ગોટીના સમર્થનમાં આવતા સમગ્ર મામલાએ રાજકીય રંગ પકડ્યો હતો. ભાજપ નેતા અને સહકારી આગેવાન દિલીપ સાંઘાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને નિવૃત જજની અધ્યક્ષતામાં સમગ્ર મામલાની તટસ્થ તપાસની માંગ કરી હતી.
આખરે પાયલ ગોટીને જેલમુક્ત કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કેસની તપાસ SMCના નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. જ્યારે જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારી દાખવનાર કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.
રાજ્ય સરકારને ઝટકો, પાયલ ગોટીને સાડા 7 લાખ ચૂકવવાનો આદેશ
આ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પહેલાથી જ સવાલોના ઘેરામાં હતી. પાયલ સામે કરવામાં આવેલી કાર્યવાહી માનવાધિકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું કે કેમ, તેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. જેને પગલે સમગ્ર કેસ માનવ અધિકાર પંચ સમક્ષ આવ્યો હતો. જ્યાં સમગ્ર કેસની સુનાવણીના અંતે પાયલ ગોટીને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે.
જે અંતર્ગત ગુજરાત સરકારને રૂપિયા સાડા સાત લાખનું વળતર પાયલ ગોટીને ચૂકવવા માટે હુકમ કરાયો છે. ટૂંક સમયમાં માનવ અધિકાર પંચનો લેખિત આદેશ બહાર આવશે. જે બાદ ક્યા કારણોના આધારે પાયલ ગોટીને વળતર ચૂકવવાનો આદેશ કરાયો, તેની સ્પષ્ટતા થશે.
