Gujarat High Court: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા હાથ ધરાયેલી વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં થર્ડ જેન્ડરના ઉમેદવારો માટે અલગ કેટેગરી ફાળવવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં એક મહત્વપૂર્ણ રિટ અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારના ગૃહ ખાતા અને ડીજીપી સહિતને નોટિસ જારી કરી છે. તેમજ 29 સપ્ટેમ્બર સુધીમાં વિસ્તૃત જવાબ આપવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
શું છે કેસની વિગત
કેસની વિગતે વાત કરીએ તો, ભાવનગરની 35 વર્ષીય ટ્રાન્સજેન્ડર અરજદારના આધારકાર્ડમાં તેમની ઓળખ મહિલા તરીકે દર્શાવાઈ છે. પરંતુ અરજદાર પાસે ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટ 2019 અંતર્ગત જિલ્લા કલેક્ટરે જારી કરેલું ઓળખનું પ્રમાણપત્ર છે. પોતાની રિટમાં અરજદારે જણાવ્યું કે, તેઓએ ગુજરાત પોલીસની ચાલુ ભરતીમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે ઓનલાઈન અરજી નોંધાવી હતી. ભરતીના ઓનલાઇન ફોર્મમાં માત્ર પુરુષ અને મહિલા બે જ કેટેગરી ઉપલબ્ઘ હોવાથી, અરજદારે ડીજીપી ઓફિસનો સંપર્ક સાદ્યો હતો. ત્યાંથી અપાયેલી સુચના પ્રમાણે તેણે આધારકાર્ડના આધારે મહિલા કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું.
ઉમેદવાર સાથે મેરિટમાં અન્યાય
અરજદારે પોતાની જાત મહેનતથી PET અને PST ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી લીધી હતી. .ત્યારબાદ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષામાં અરજદારે 94 માર્ક્સ મેળવ્યા હતા. જોકે, 11 જુલાઈના રોજ જારી થયેલા છેલ્લા મેરિટ લિસ્ટમાં SEBC મહિલા કેટેગરીનું કટ ઓફ 98.5 માર્ક્સ પર અટકી ગયું. જેથી અરજદાર પસંદગી પામી શક્યા નહીં.
અરજદારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા
પોલીસ ભરતીનું પરિણામ આવી ગયા બાદ અરજદારે સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી કે, તેમની ઉમેદવારી મહિલા કે પુરુષ કેટેગરીના બદલે ટ્રાન્સજેન્ડરની અલાયદી કેટેગરીમાં ગણવામાં આવે પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા. અરજદારે હાઈકોર્ટ સામે માંગણી મૂકી કે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે અલગ કેટેગરી, ત્રીજી કેટેગરીના ઉમેદવારો માટે બંધારણીય ધોરણે યોગ્ય અને અલગ કટઓફ, તેમજ નોકરીની સમાન તક મળે.
