Gujarat Assembly Election 2027: ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષની વાર છે, ત્યારે કોળી સમાજના અગ્રણી તેમજ રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને આગામી વિધાનસભા ચૂંટણીમાં લડાવીને મંત્રી બનાવવાની માંગ ઉઠી છે.
સમગ્ર કોળી સમાજ દિવ્યેશ સોલંકીને મંત્રી તરીકે જોવા માંગે છે
હકીકતમાં ગુજરાતના રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા કોળી સમાજના અગ્રણી અને મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીનો આવતીકાલે 6 જુલાઈના રોજ જન્મદિન છે. જો કે તેની પહેલા ભાવનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ જણાવ્યું કે, આજે હું તેમને જન્મદિનની શુભકામના પાઠવું છે. અમારી ઠાકોર અને કોળી સમાજની લાગણી અને માંગણી છે કે, 2027માં દિવ્યેશભાઈ ચૂંટણી લડે. દિવ્યેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે, જે પરસોત્તમભાઈના માર્ગે ચાલી રહ્યું છે.
કોળી સમાજના શિક્ષણનું સ્તર સુધરે અને દરેકને પુરતુ શિક્ષણ મળે, તેને લગતા કામમાં દિવ્યેશભાઈ સોલંકી ખૂબ જ સક્રિય રહે છે. અમારા સમાજના યુવાનોને ઉત્તમ ભણતર મળી રહે, તે માટે દિવ્યેશભાઈ સતત પ્રયત્નશીલ છે.
અમે જ્યારે અલગ-અલગ જિલ્લાઓનો પ્રવાસ કરીએ, ત્યારે ત્યાંથી એક જ સુર ઉઠે છે કે, 'દિવ્યેશભાઈ ક્યારે ચૂંટણી લડશે?'. આથી 2027ની વિધાનસભા ચૂંટણીમાં દિવ્યેશભાઈ ચૂંટણી લડે અને મંત્રી પદ સુધી પહોંચે તેવી મારી તેમજ મારી સાથે જોડાયેલા સમાજના તમામ યુવાનો અને આગેવાનોની માંગ છે. અમારો આખો સમાજ દિવ્યેશભાઈને 2027માં મંત્રી તરીકે જોવા માંગે છે. પાર્ટી પાસે કોઈ ઑપ્શન જ ક્યાં છે.
હું સમાજ માટે સમર્પિત, પિતાના આદેશ પ્રમાણે કામ કરીશઃ દિવ્યેશ સોલંકી
2027ની ચૂંટણી લડવા અંગે દિવ્યેશ સોલંકાએ જણાવ્યું કે, મારા માટે મારો સમાજ સર્વપ્રથમ હતો, છે અને રહેશે. મારા દાદા બાદ પિતાએ પણ સમાજ માટે આટલું ન્યોછાવર કરેલું. હવે હું તેમનું જ લોહી છું. આમ સામાજિક ક્ષેત્રમાં અમારા પરિવારની ત્રીજી પેઢી છે. આવનારા દિવસોમાં પણ મારા પિતા પરસોત્તમભાઈ જે આદેશ કરશે, તે પ્રમાણે અને સમાજ કહેશે તેમ કામ કરીશ.
