Gujarat Weather Forecast: બે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય, હજુ 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડશે

ગુજરાતમાં ચોમાસું સક્રિય છે અને સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી 3 દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 05 Jul 2026 12:08 AM (IST)Updated: Sun, 05 Jul 2026 12:08 AM (IST)
gujarat-weather-forecast-by-paresh-goswami-heavy-rain-alert-for-south-gujarat-and-saurashtra

Gujarat Weather Forecast, Paresh Goswami Ni Aagahi: મોડા-મોડા ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસું હવે સંપૂર્ણપણે જામી ગયું છે, જેના પગલે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય, તેમ કેટલાક ભાગોમાં તો પૂરની સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

અત્યાર સુધીમાં રાજ્યના 265 તાલુકા પૈકી 230 તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ હજુ પણ 35 જેટલા તાલુકાઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેમના માટે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. 

 

બે મજબૂત સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત માટે 3 દિવસ અતિભારે

આ અંગે વિગતો આપતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અત્યારે બંગાળની ખાડી ઉપરાંત અરબ સાગર એમ બન્ને તરફ વરસાદી સિસ્ટમો મજબૂત રીતે સક્રિય છે. જે પૈકી અરબ સાગરની સિસ્ટમ હાલ સ્થિર હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ભાગોમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આગામી 3 દિવસ એટલે કે 7 જુલાઈ સુધી પણ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


9 જિલ્લામાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદના સંકેત

હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર મળીને 9 જિલ્લામાં આગામી 3 દિવસ તીવ્રતા સાથે અતિભારે વરસાદ પડી શકે છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેશે.


કચ્છ, જામનગર અને દ્વારકાને હજુ રાહ જોવી પડશે

આ ઉપરાંત અત્યાર સુધી વરસાદથી વંચિત રહેલા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ આગામી 3 દિવસ મેઘમહેર થવાની પુરી શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગરના બાકી બચેલા તાલુકાઓમાં પણ સારો વરસાદ વરસી શકે છે.

જ્યારે કચ્છ, દ્વારકા અને જામનગર જિલ્લાઓ માટે હજુ પણ ચિંતા યથાવત રહેશે, કારણ કે ત્યાં વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે. જો કે કચ્છના માંડવી, મુન્દ્રા, ગાંધીધામ અને ભચાઉમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ મોટાભાગનો જિલ્લો 7 જુલાઈ સુધી સારા વરસાદથી વંચિત જ રહેશે.

આવી જ રીતે દ્વારકા અને જામનગરના 50 ટકા ભાગોમાં જ વરસાદ પડી શકે છે. આમ છતાં ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચોમાસાનો પ્રથમ રાઉન્ડ છે. જે બાદ આવનારા રાઉન્ડમાં આ વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી શકે છે.