Ambalal Patel, Gujarat Weather Forecast: અલ-નીનોના કારણે ગુજરાતમાં નબળા ચોમાસાના અનુમાન વચ્ચે મોડા-મોડા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવનારા દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આગામી 48 કલાક 4 જિલ્લા માટે અતિભારે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 48 કલાક વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા માટે અતિ મહત્ત્વના રહેશે. આ બે દિવસ દરમિયાન ચાર જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે 4 થી 5 ઈંચ જેટલો વરસાદ તૂટી પડશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડવાનો હોવાથી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના જળસ્તરમાં વધારો થશે.
અમદાવાદથી લઈને ઉત્તર ગુજરાતના પટ્ટામાં વરસાદી માહોલ જામશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, 6 જુલાઈ સુધી અમદાવાદ અને ગાંધીનગરના ઘણાં ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાના પરિણામે જળભરાવની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ યથાવત રહેશે.
ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જ્યાં વરસાદ ઓછો છે, તેવા પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉથ્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે.
વીજળીનો ચમકારો વરસાદનો માર્ગ બતાવશે
લોકવાયકાની દ્રષ્ટિએ વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, અષાઢ સુદ બીજના દિવસે જો સાંજના સમયે ઈશાન ખૂણામાં વીજળી થાય, તો તે સારા વરસાદની નિશાની છે. જો વીજળી સફેદ સર્પઆકારની લબક-ઝબક થતી હોય તો તે વરસાદ માટે શુભ ગણાય છે, પરંતુ લાલ ભડક જેવી વીજળી માત્ર પવન ફૂંકાવાનો સંકેત આપે છે. અષાઢ સુદ પાંચમની વીજળીનું પણ વિશેષ મહત્વ રહેલું છે. જો વીજળીના સંકેતો સારા રહેશે તો અષાઢ મહિનામાં મન મૂકીને મેઘરાજા વરસશે.
વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જુલાઈના અંત સુધી વરસાદ
વધુમાં હવામાન નિષ્ણાંતના જણાવ્યા પ્રમાણે, આગામી 8 જુલાઈની આસપાસ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેનો માર્ગ 12 જુલાઈ સુધીમાં ગુજરાતના ભાગ સુધી આવી શકે છે. આ સિસ્ટમ લાંબા સમય સુધી ચાલવાની છે. આથી અલ-નીનોના ખતરા વચ્ચે પણ ગુજરાતમાં ભારે વરસાદના ઉજળા સંજોગો સર્જાયા છે.
