Bhavnagar: ઉનાળો શરૂ થયો ત્યારથી સૌરાષ્ટ્રમાં ન્હાવા પડ્યા બાદ ડૂબી જવાથી મૃત્યુ નીપજવાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા સોમનાથનો દરિયો પણ મહારાષ્ટ્રના 3 યુવકોને તાણી ગયો હતો, ત્યારે આવો જ વધુ એક બનાવ ભાવનગર જિલ્લાના તળાજામાંથી સામે આવ્યો છે. જેમાં અહીંના સરતાનપર બંદર નજીક ન્હાવા પડેલા ત્રણ બાળકોને દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ખાળીયામાં ન્હાવા પડ્યા, ત્યારે દરિયાનું મોજું ઉછળતા પાણીનો પ્રવાહ વધી ગયો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, તળાજાના સરતાનપર બંદર નજીકના 'ડાંડો' વિસ્તારના દરિયા કિનારે આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ત્રણ બાળકો લટાર મારવા નીકળ્યા હતા. જ્યાં બાળકો ગરમીથી રાહત મેળવવા માટે કિનારે દરિયાના પાણી ભરાયેલા ખાળીયામાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ સમયે અચાનક દરિયાની લહેર ઉઠતાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. જેના પરિણામે ત્રણેય બાળકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આસપાસના લોકોનું ધ્યાન તેમના તરફ ગયું હતુ.
બાળકોને ઊંડા પાણીમાં ગરકાવ થતાં જોઈને સ્થાનિકો, સરતાનપર ગામના સરપંચ, તળાજા ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયાઓ સહિતનો કાફળો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યો હતા. જ્યાં ભારે જહેમત બાદ ત્રણેય બાળકોને પાણીની બહાર કાઢ્યા હતા.
પ્રાથમિક તપાસમાં ભોગ બનેલા ત્રણે બાળકો સગા ભાઈ-બહેન થાય છે. જે પૈકી આયુષ અને શિવાન્યા નામના બે ભાઈ-બહેનના માત્ર મૃતદેહ જ હાથ લાગ્યા હતા, જ્યારે 11 વર્ષીય રાજશ્રીનો આબાદ બચાવ થયો હતો. જેને તાત્કાલિક સારવાર અર્થે તળાજાની સદ્દવિચાર નામની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
